દેશના આ ત્રણ શહેરોમાં હવે રોજેરોજ રોકેટ ગતિએ ઉછળી રહ્યા છે કોરોનાના કેસ
નવી દિલ્હી: દેશના સૌથી મોટા ૯ શહેરો પૈકી હવે બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે એવા શહેરો છે જ્યાં ખૂબ જ ઝડપથી કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. જ્યારે આ પહેલા મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને અમદાવાદ દેશમાં કોરોનાના એપી સેન્ટર હતા. જાેકે હવે અહીં મહામારીની તીવ્રતામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.
છેલ્લા દિવસોમાં દેશમાં સૌથી વધુ કેસ બેંગલુરુમાં સામે આવ્યા છે. જ્યાં પ્રતિદિવસના ૧૨.૯ ટકાના ઝડપથી કેસ વધી રહ્યા છે. તેમજ આ સમય દરમિયાન શહેરમાં મૃત્યુ દર પણ ૮.૯ ટકા જેટલો હાઈ નોંધવામાં આવ્યો છે.
જ્યારે વાત કેસ ફેટાલિટી રેટની કરવામાં આવે ત્યારે પ્રતિ ૧૦૦ કોવિડ-૧૯ કેસ પર મૃત્યુદરમાં અમદાવાદ હજુ પણ દેશમાં ટોચ પર છે. જે બાદ બીજા નંબરે મુંબઈ અને ત્રીજા નંબરે કલકત્તા છે. જ્યારે વસ્તીની ગીચતાની દૃષ્ટીએ ચેન્નઈ પ્રતિ ૧૦ લાખે ૮૫૯૫ કેસ સાથે ટોચ પર છે. જે બાદ મુંબઈ, પુણે અને દિલ્હી આવે છે. તેમજ પ્રતિ ૧૦ લાખે મુંબઈમાં ૩૪૫ લોકોના મોત થયા છે જે દેશમાં સૌથી વધુ છે. મુંબઈ બાદ આ પેરામીટરમાં અમદાવાદ અને દિલ્હીનો નંબર આવે છે.
છેલ્લા ૪ સપ્તાહના કોવિડ-૧૯ કેસના ડેટાનું એનાલિસિસ કરતા જાેવા મળે છે કે મહામારી ધીરે ધીરે નવા નવા શહેરી વિસ્તારોને પોતાની પકડમાં આવરી રહી છે. જેમ કે દરરોજના સરેરાશ નવા કેસ મુંબઈમાં ઘટી રહ્યા છે તો પુણેમાં વધી રહ્યા છે. જ્યારે અમદાવાદમાં દેશની રાષ્ટ્રીય એવરેજ કરતા પણ નીચા દરે નવા કેસ વધી રહ્યા છે. પરંતુ સુરતમાં આ જ કેસ વધારો રાષ્ટ્રીય એવરેજ કરતા ઘણો વધારે છે. તેવી જ રીતે ચેન્નઈમાં નવા કેસની નોંધણીમાં ઘટાડો જાેવા મળ્યો છે જ્યારે હૈદરાબાદ અને બેંગલુરુમાં વધારો જાેવા મળ્યો છે.