દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગો ફરી ગરમીની લપેટમાં આવી ગયા

થોડા દિવસોની રાહત પછી, દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગો ફરી ગરમીની લપેટમાં આવી ગયા અને ઘણા શહેરોમાં તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. હવામાન વિભાગે કહ્યું છે કે રાજસ્થાન, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, વિદર્ભ, ઉત્તર પ્રદેશનો દક્ષિણ વિસ્તાર અને મધ્ય પ્રદેશના ઉત્તરીય પ્રદેશમાં આગામી બે-ત્રણ દિવસ સુધી હીટવેવની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૪-૫ જૂને રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. શુક્રવારે, મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના ચંદ્રપુરમાં મહત્તમ તાપમાન ૪૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગમાં ઓછામાં ઓછા ૪૦ શહેરો અને નગરોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ અને તેથી વધુ નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. માર્ચ-મે વચ્ચેના ચોમાસા પહેલાના મહિનાઓમાં પશ્ચિમી વિક્ષેપ અથવા વધારાની ઉષ્ણકટિબંધીય હવામાન પ્રણાલીની ગેરહાજરીને કારણે, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં તાપમાન ઊંચુ રહે છે.
ઉત્તરપશ્ચિમ ભારતમાં ૨૪ મેના રોજ સિઝનના પ્રથમ વાવાઝોડાનો અનુભવ થયો, જેનાથી સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં ઘટાડો થયો. દરમિયાન, હવામાન કચેરીએ ૭ જૂનથી દક્ષિણ વિસ્તારમાં વરસાદની ગતિવિધિઓમાં વધારો થવાની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની સંભાવના છે.HS1KP