દેશના કેટલાક ગણતરીના જિલ્લાઓમાં જ નક્સલવાદ સમેટાઈને રહી ગયો છે: પ્રધાનમંત્રી

દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભૂમિ સેના, નૌ સેના અને વાયુ સેના અધ્યક્ષ, સંરક્ષણ સચિવ, એનસીસી મહાનિર્દેશક અને દેશભરમાંથી અહિયાં આવેલા રાષ્ટ્ર ભક્તિની ઊર્જાથી ઓતપ્રોત એનસીસી કેડેટ્સ,
આપ સૌ યુવાન સાથીઓની વચ્ચે જેટલી પણ ક્ષણો વિતાવવાનો અવસર મળે છે તે ખૂબ જ સુખદ અનુભવ આપે છે. હમણાં જે તમે અહિયાં આગળ માર્ચ પાસ્ટ કરી, કેટલાક કેડેટ્સે પેરા સેલિંગની કળા દેખાડી, જે આ સાંસ્કૃતિક પ્રદર્શન થયું, તે જોઈને માત્ર મને જ નહિ, આજે ટીવીના માધ્યમથી પણ જે લોકો જોઈ રહ્યા હશે, તે દરેકને ગર્વનો અનુભવ થયો હશે.
દેશના ખૂણે ખૂણેથી આવીને તમે 26 જાન્યુઆરીની પરેડમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તમારી આ મહેનતને આખી દુનિયાએ જોઈ છે. આપણે જોઈએ છીએ, દુનિયામાં જે પણ દેશોના સમાજ જીવનમાં શિસ્ત હોય છે, એવા દેશો તમામ ક્ષેત્રોમાં પોતાની જય પતાકા લહેરાવતા હોય છે. અને ભારતમાં સમાજ જીવનમાં શિસ્ત લાવવા માટેની આ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા એનસીસી સારામાં સારી રીતે નિભાવી શકે છે.
અને તમારી અંદર પણ આ સંસ્કાર, જીવન પર્યંત રહેવા જોઈએ. એનસીસી પછી પણ શિસ્તની આ ભાવના તમારી સાથે રહેવી જોઈએ. એટલું જ નહિ, તમે તમારી આસપાસના લોકોને પણ સતત આની માટે પ્રેરિત કરશો તો ભારતનો સમાજ તેનાથી મજબૂત થશે, દેશ મજબૂત થશે.
દુનિયાના સૌથી મોટા યુનિફોર્મ્ડ યૂથ ઓર્ગેનાઇઝેશનના રૂપમાં, એનસીસીએ પોતાની જે છબી બનાવી છે, તે દિવસે ને દિવસે વધારે મજબૂત થતી જઈ રહી છે. અને જ્યારે હું તમારા પ્રયાસો જોઉં છું તો મને ખૂબ જ આનંદ થાય છે, તમારી ઉપરનો ભરોસો વધારે મજબૂત થાય છે. શૌર્ય અને સેવા ભાવની ભારતીય પરંપરાને જ્યાં વધારવામાં આવી રહી છે- ત્યાં એનસીસી કેડેટ્સ જોવા મળે છે. જ્યાં બંધારણ પ્રત્યે લોકોની અંદર જાગૃતિ ઉત્પન્ન કરવાનું અભિયાન ચાલી રહયું હોય – ત્યાં પણ એનસીસી કેડેટ્સ જોવા મળે છે.
પર્યાવરણને લઈને કઇંક સારું કામ થઈ રહ્યું હોય, જળ સંરક્ષણ અથવા સ્વચ્છતા સાથે જોડાયેલ કોઈ અભિયાન હોય તો ત્યાં આગળ પણ એનસીસી કેડેટ્સ જરૂરથી જોવા મળે છે. સંકટના સમયમાં આપ સૌ જે અદભૂત રીતે સંગઠિત થઈને કામ કરો છો, તેના ઉદાહરણ બીજી જગ્યાઓ ઉપર બહુ ઓછા જોવા મળે છે. પૂર હોય કે બીજી આપદા, વિતેલા વર્ષમાં એનસીસી કેડેટ્સે મુશ્કેલીમાં ફસાયેલા દેશવાસીઓને રાહત અને બચાવમાં સહાયતા કરી છે.
કોરોનાના આ સંપૂર્ણ કાળખંડમાં લાખો લાખો કેડેટ્સે દેશભરમાં જે રીતે વહીવટી તંત્ર સાથે મળીને સમાજ સાથે મળીને જે રીતે કામ કર્યું છે, તે પ્રશંસનીય છે. આપણાં બંધારણમાં જે નાગરિક કર્તવ્યોની વાત કરવામાં આવી છે, જેની આપણી પાસેથી અપેક્ષા કરવામાં આવી છે, તે નિભાવવાની આપણાં સૌની જવાબદારી છે.
આપણે સૌ તેના સાક્ષી છીએ કે જ્યારે નાગરિક સમાજ, સ્થાનિક નાગરિક પોતાના કર્તવ્યો પર ભાર મુકે છે, ત્યારે મોટામાં મોટા પડકારોને પણ ઉકેલી શકાય છે. જેમ કે તમે પણ બહુ સારી રીતે જાણો જ છો કે આપણાં દેશમાં એક સમયે નક્સલવાદ માઓવાદ કેટલી મોટી સમસ્યા હતી. દેશના સેંકડો જિલ્લાઓ તેનાથી અસરગ્રસ્ત હતા.
પરંતુ સ્થાનિક નાગરિકોનો કર્તવ્યભાવ અને આપણાં સુરક્ષા દળોનું શૌર્ય સાથે મળી ગયું તો નક્સલવાદની કમર તૂટવાની શરૂ થઈ ગઈ. હવે દેશના કેટલાક ગણતરીના જિલ્લાઓમાં જ નક્સલવાદ સમેટાઈને રહી ગયો છે. હવે દેશમાં માત્ર નક્સલી હિંસા જ બહુ ઓછી નથી થઈ ગઈ પરંતુ અનેક યુવાનો હિંસાનો માર્ગ છોડીને વિકાસના કાર્યોમાં જોડાવા લાગ્યા છે. એક નાગરિકના રૂપમાં પોતાના કર્તવ્યોને પ્રાથમિકતા આપવાની અસર આપણે આ કોરોના કાળમાં પણ જોઈ છે. જ્યારે દેશના લોકો એકસાથે ભેગા મળ્યા, પોતાનું કર્તવ્ય નિભાવ્યું તો દેશ કોરોનાનો સારી રીતે મુકાબલો પણ કરી શક્યો.