દેશના જવાનોએ આ ગામમાં સ્વખર્ચે પીવાના પાણીની સમસ્યા નિવારી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દેશની રક્ષા કાજે સતત ખડેપગે ફરજ બજાવતાં સૈનિકો પોતાની માતૃભૂમિના રહીશોને પાણી ની પડતી તકલીફના નિવારણ માટે મેદાનમાં આવ્યા છે. પંચમહાલના મોરવા હડફના નવા ગામ ના એક મહિલા સહિત કુલ ૧૫ વ્યક્તિઓ દેશના રક્ષણ માટે આર્મી,બીએસએફ સહિત પેરા મિલેટ્રી ફોર્સમાં ફરજ બજાવી રહ્યા છે
અને કેટલાક નિવૃત થયા છે આ સૈનિકો દ્વારા હાલ ગામના હાર ફળિયા અને ટાંડી ફળિયાના રહીશો પાણીની સમસ્યાનો ભારે સામનો કરી રહ્યા છે જેઓની વ્હારે આવી સ્વ ખર્ચે ટેન્કર મારફતે ચોમાસા સુધી પાણી પૂરું પાડવાનો પ્રારંભ કર્યો છે.
ગામના જવાનો દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિકો બિરદાવી રહ્યા છે અને ગામ માં સરકારની યોજના હેઠળ જલ્દી પાણી મળે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી રહ્યા છે.
પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા મોરવા હડફના નવાગામ ગામની ભૌગોલિક સ્થિતિ પથરાળ અને ડુંગરાળ છે.આ ગામના ટાંડી અને હાર ફળિયા માં સરકાર દ્વારા હેન્ડપમ્પ,બોર અને કુવાની સુવિદ્યા પુરી પાડવામાં આવી છે પરંતુ માર્ચ માસના અંત માં અહીં ભૂગર્ભ જળ સ્તર ખૂબ જ નીચું જતું રહેતાં આ તમામ સુવિદ્યાઓ બિન ઉપયોગી થઈ જતા રહીશોને ગામના અન્ય સ્થળોએ દર દર ભટકી પાણી મેળવવું પડે છે.
અહીં આવેલી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ ઘરે થી પાણીની બોટલ લઈ અભ્યાસ માટે આવતા હોય છે.આ સમસ્યાનો ચોમાસા સુધી હલ લાવવા માટે પંચમહાલ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ રૂમાલભાઈ પાંડોર સહિત દ્વારા ગામના અન્ય સૈનિકોના સહકાર થકી એક મુહિમ શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે ગામના અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વાજતે ગાજતે ટેન્કર વડે જરૂરીયાતમંદ વિસ્તારમાં પાણી પુરૂ પાડવાની સેવા શરૂ કરવામાં આવી છે.