દેશના ટોપ 10 પોલીસ સ્ટેશનોની યાદી જાહેર: ગુજરાત બીજા ક્રમે
નવી દિલ્હી, સમગ્ર દેશમાં મહિલાઓ વિરૂદ્ધ વધી રહેલ ગુનાઓને લઇને જનતામાં આક્રોશ છે.અને લોકો પોલીસ તંત્રના કામકાજ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે ગૃહમંત્રાલયે દેશના ટોપ 10 પોલીસ સ્ટેશનોની યાદી જાહેર કરી છે જેમાં ગુનાઓને લઇને સતત ચર્ચામાં રહેનાર રાજ્ય ઉત્તરપ્રદેશ અને બિહારના કોઇ પણ પોલીસ સ્ટેશનનું નામ સામેલ નથી . દેશમાં સૌથી સારા કામ કરનાર પોલીસ સ્ટેશનોની યાદીમાં પ્રથમ નંબરે અબેરદીન પોલીસ સ્ટેશન છે. આ પોલીસ સ્ટેશન આંદામાન નિકોબાર રાજ્યમાં આવે છે. રાજ્યવાર જોઇએ તો આંદામાન નિકોબાર ટાપૂ સમૂહ બાદ બીજા નંબરે ગુજરાત, ત્રીજા નંબરે મધ્યપ્રદેશ, ચોથા નંબરે તમિલનાડુ, પાંચમાં નંબરે અરૂણાચલ પ્રદેશ, છઠ્ઠા નંબરે દિલ્હી, સાતમાં નંબરે રાજસ્થાન, આઠમાં નંબરે તેલંગાણા, નવમાં નંબરે ગોવા અને દસમાં નંબરે એકવાર ફરીથી મધ્ય પ્રદેશ છે.
પોલીસ સ્ટેશનના પરફોર્મન્સને માપવા માટે ત્રણ વસ્તુઓને આધાર બનાવવામાં આવ્યો છે. પહેલા પ્રોપર્ટી ઓફેન્સ એટલે કે સંપત્તિથી જોડાયેલ ગુના, બીજું મહિલાઓ વિરૂદ્ધ ગુના અને ત્રીજું સમાજના પછાત વર્ગો વિરૂદ્ધ થનાર ગુના. જે પોલીસ સ્ટેશનોમાં આવા કેસ ઓછા મળી આવ્યા છે તેને સૌથી સારું પોલીસ સ્ટેશન માનવામાં આવ્યું છે.
જોકે છેલ્લા એક સપ્તાહમાં મહિલાઓની સાથે દુષ્કર્મ અને બાદમાં હત્યાના સતત કેટલાક મામલાઓ સામે આવી રહ્યા છે. તેવામાં પોલીસ સ્ટેશનની રેંકિગ કેટલાક રાજ્યોમાં વધી રહેલ ગુનાઓની પોલ ખોલી રહી છે. તમામ રાજ્યો માંથી કુલ 15,579 પોલીસ સ્ટેશન પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં લોકો સાથે પણ પોલીસ સ્ટેશન વિશે ફીડબેક લેવામાં આવ્યો હતો. પહેલા ફેઝમાં તમામ રાજ્યોમાંથી ત્રણ પોલીસ સ્ટેશનો પસંદ કરાયા હતા. જેમાં લગભગ 750 પોલીસ સ્ટેશન પસંદ કરાયા. બાદમાં દિલ્હી અને અન્ય તમામ રાજ્યોમાંથી બે-બે પોલીસ સ્ટેશન પસંદ કરવામાં આવ્યા અને છેલ્લે તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી એક-એક પોલીસ સ્ટેશન પસંદ કરવામાં આવ્યું. આગામી ફેઝમાં કુલ 79 પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવ્યા. છેલ્લા ફેઝમાં કુલ 19 પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવ્યા હતા.