દેશના ત્રણ રાજયોમાં રહસ્યમયી તાવનો કહેર

પ્રતિકાત્મક
નવીદિલ્હી, ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી શરૂ થયેલો રહસ્યમયી તાવનો કહેર હવે બિહાર અને મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયો છે. બિહારમાં કોરોનાની બીજી લહેરની માફક હોસ્પિટલો ફરીથી ફુલ થઈ ગઈ છે. એક બેડ પર ૨-૨ બાળકોની સારવાર થઈ રહી છે અને ગ્વાલિયરમાં પણ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં રહસ્યમયી તાવનો કહેર વ્યાપ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના ૯૦ કરતા પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
માત્ર ફિરોઝાબાદમાં જ અત્યાર સુધીમાં ૫૫ લોકોના મોત થયા છે અને તેમાંથી મોટા ભાગના બાળકો છે. યુપીના ૮ જિલ્લાઓમાં વાયરલ જેવા લક્ષણોવાળા આ તાવને લઈ ડરનો માહોલ છે. કાસગંજના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો લોકો બોગસ ડોક્ટરો પાસે સારવાર મેળવવા મજબૂર બન્યા છે અને તાવ ઉતારવા લિક્વિડ ચઢાવવામાં આવી રહ્યું છે.
બિહારના આરા ખાતે પણ ધીમે-ધીમે વાયરલ તાવનો પ્રકોપ વધી રહ્યો છે. બાળકોમાં ભારે તાવ, ઉધરસ અને શ્વાસ ફુલાવાની ફરિયાદો જાેવા મળી રહી છે અને દરરોજ આશરે ૧૦-૧૫ બાળકો બીમાર પડી રહ્યા છે.ઉત્તર પ્રદેશની બાજુમાં સ્થિત હોવાથી વાયરલ ફીવરે મધ્ય પ્રદેશમાં પણ પગપેસારો કર્યો છે. ગ્વાલિયરમાં વાયરલ ફીવરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અન્ય જિલ્લાઓમાં પણ કેસની સંખ્યા વધી રહી છે અને હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે.HS