દેશના દુર્ગમ ક્ષેત્રોમાં ડ્રોનથી રસી પહોંચાડવા ટ્રાયલ શરૂ

Files Photo
બેંગલોર: દેશના દુર્ગમ વિસ્તારોમાં રસી પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનુ સરકાર વિચારી રહી છે. આ માટેની ટ્રાયલ આજથી બેંગ્લોર નજીક શરૂ થઈ છે.
બેંગ્લોરની એક કંપની દ્વારા દવાની ડિલિવરી કરવા માટે બેંગ્લોરથી ૮૦ કિલોમીટર દુર આવેલા એક સ્થળને પસંદ કરવામાં આવ્યુ છે.આ ટ્રાયલ ૩૦ થી ૪૫ દિવસ સુધી ચાલશે.આ માટે બેંગ્લોરની કંપનીએ અન્ય એક કંપનીની મદદ પણ લીધી છે. જે કોમર્શિયલ યુઝ માટેની ડ્રોન એપ્લિકેશન બનાવવામાં નિષ્ણાત છે. આ ટ્રાયલ માટે સેફટી એક્સપર્ટની મદદ લેવામાં આવી છે.
ટ્રાયલ માટે બે પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરાશે.એક ડ્રોન એક કિલો વજન અને બીજુ ડ્રોન બે કિલો વજન સાથે ૧૨ કિલોમીટર સુધી જવામાં સક્ષમ છે. ટ્રાયલ દરમિયાન ડ્રોનની રેન્જ અને સુરક્ષા આ બે બાબતો પર ધ્યાન આપવામાં આવશે. નાગરિક ઉડ્ડયન વિભાગની ગાઈડલાઈનનુ પાલન કરીને ટ્રાયલ કરાશે. આ દરમિયાન ડ્રોન ઓછામાં ઓછી ૧૦૦ ઉડાન ભરશે.એ પછી નાગરિક ઉડ્ડયન વિભાગ ગાઈડ લાઈનની સમીક્ષા કરશે.
જાે ટ્રાયલ સફળ થઈ તો દેશના વિવિધ વિસ્તારોમાં સરકાર ડ્રોનની મદદથી વેક્સીન પહોંચાડવા માટે પણ વિચારણા કરી રહી છે. કારણકે દેશના ઘણા અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં રોડ કે વાહન વ્યવહારની સુવિધા નથી. અહીંયા રહેતા લોકોને રસી પહોંચાડવામાં સરકારને મુશ્કેલી આવી રહી છે. ડ્રોનના કારણે વેક્સીનેશન ઝડપથી પહોંચાડી શકાશે તેવુ સરકારનુ માનવુ છે.