દેશના પ્રથમ રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો E-પ્રારંભ કરાવતા રૂપાણી

રોજગારવાંચ્છુ યુવાઓ-૬૩-૫૭-૩૯૦-૩૯૦ એક કોલ ડાયલ કરીને રોજગાર સેતુના માધ્યમથી કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે : મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ ‘રાષ્ટ્રીય યુવા દિવસે’ રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો પ્રારંભ કરાવ્યો હતો.
દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.
રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘હર હાથ કો કામ હર ખેતકો પાની’નું સૂત્ર સાકાર કરીને દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જી.ડી.પી. વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
દરેક યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આપણે 12મી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરતીમેળા પખવાડિયાનું આયોજન કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ ઓનલાઇન ભરતી મેળામાં 25,000 જેટલા યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે, તેને સાકાર કરવા આવા રોજગાર મેળાનું આયોજન કરીને તેમજ યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવાની આપણી નેમ છે.
‘‘અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે’’. યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેને એમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું કે, રોજગાર સેતુ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ – કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે ઉમેદવાર સીધો સંવાદ કરશે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યનો કોઇપણ ઉમેદવાર એક સિંગલ નંબર 63-57-390-390 ડાયલ કરતાની સાથે જ માહિતી મેળવી શકશે. એટલું જ નહીં કોલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસ.ના માધ્યમથી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે.
રોજગાર તાલીમ નિયામકશ્રી આલોક પાંડેએ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા નવી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.
આ પ્રસંગે શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા તેમજ રાજ્યના વિવિધ સ્થળોએથી કલેક્ટરશ્રીઓ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.