દેશના સૌથી લાંબા અમદાવાદના રિવરફ્રન્ટના કામ માટે આ બજેટમાં 350 કરોડ ફાળવણી

પ્રતિકાત્મક
ગાંધીનગર, ગુજરાતની ૫૦% ઉપરાંત વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે. શહેરોને ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે.
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી અને તત્કાલિન માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવિરત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
બે દાયકાની આ અવિરત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ, આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયાં છે. આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન અને નાગરીકોની સહભાગીતાને ધન્યવાદ આપું છું. આ વિકાસયાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરું છું. આ માટે શહેરી વિભાગનું બજેટ આશરે ૪૦% વધારીને ₹૩૦,૩૨૫ કરોડ કરવામાં આવ્યું છે. 350 crores allocated in this budget for the work of Ahmedabad’s riverfront, the longest in the country
રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ નવ મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે. જેના વિકાસને વેગ આપવા માટે ₹૨૩૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે. રાજ્યની ૬૯ જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં જિલ્લા મથકની ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે.
તેમજ દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક સ્થળોની નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે. વડનગરના ૨૫૦૦ વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરનાં સ્થાનને ધ્યાને લઇ તેને “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવશે.
જળ સંચય રાજ્યના શહેરી વિસ્તારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે અંતર્ગત સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૮૦:૨૦ ના ધોરણે જનભાગીદારીથી “કેચ ધ રેઇન” અભિયાન હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનું આયોજન છે. જે માટે ₹૨૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
રાજ્યના ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા મોટા ગામો, શહેરી વિકાસ સત્તા મંડળની આસપાસના ગામો તથા તાલુકાના મુખ્ય મથક હોય તેવા ગામોમાં શહેરની સમકક્ષ આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા ₹૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
સાબરમતી નદી પર અમદાવાદ–ગીફ્ટ સીટી-ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના પાંચ ફેઝનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેશના સૌથી લાંબા આ રિવરફ્રન્ટના કામ માટે આ બજેટમાં ₹૩૫૦ કરોડ ફાળવું છું.
અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ આગળ વધી રહેલ છે. અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨નું કામ ડીસેમ્બર-૨૦૨૫માં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ૫૫% કામ પૂર્ણ થયેલ છે. નાગરિકોને રેલ આધારિત ઝડપી, વિશ્વસનીય અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે તે માટે આગામી નાણાકીય વર્ષમાં ₹૨૭૩૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ધ્યાને લઈ ૨૦૬૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. જે માટે ₹૧૧૨૮ કરોડની જોગવાઇ સૂચવું છું. આમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા ૪૦૦ મીડી બસનું આયોજન છે.