દેશના ૧૩ રાજ્યોમાં પેટ્રોલની કિંમત રૂપિયા૧૦૦/લિટરને પાર
નવીદિલ્હી: દર આંતરા દિવસે ઇંધણોની કિંમતમાં વધારો કરવાનો સિલસિલો જાળવી રાખતાં સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ રવિવારે પેટ્રોલમાં ૨૯ પૈસા અને ડીઝલમાં ૨૭ પૈસા પ્રતિ લિટરનો વધારો કરતાં હવે દેશના ૧૩ રાજ્યોમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦ પ્રતિ લિટરને પાર કરી ગઇ છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા, તામિલનાડુ, બિહાર, ચંડીગઢ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં પેટ્રોલની કિંમત રૂ.૧૦૦ કરતાં વધુ છે.
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત રવિવારે ૯૭ની સપાટી પાર કરીને રૂ. ૯૭.૨ અને ડીઝલની કિંમત રૂપિયા ૮૭.૯૭ થઇ હતી. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેરમાં પેટ્રોલ રૂપિયા ૧૦૩.૩૬ અને ડીઝલ રૂપિયા ૯૫.૪૪ ઉપર પહોંચ્યાં હતાં. પેટ્રોલની કિંમત ચેન્નઇમાં રૂ. ૯૮.૪૦, કોલકાતામાં રૂ. ૯૭.૧૨, પટણામાં રૂ. ૯૯.૨૮ ઉપર પહોંચી ગઇ હતી. દેશમાં ઇંધણોની સૌથી વધુ કિંમત ધરાવતા રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૮.૩૭ અને ડીઝલની કિંમત રૂપિયા ૧૦૧.૧૨ પ્રતિ લિટર થઇ હતી. ૪ મે પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨૭મી વાર ભાવવધારો કરાયો છેે. આ ૨૭ વારમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા ૬.૮૨ પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં રૂપિયા ૭.૨૪ પ્રતિ લિટરનો કમરતોડ ભાવવધારો કરી દેવાયો છે.
કોફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)ના નવા ચૂંટાયેલા અધ્યક્ષ ટી વી નરેન્દ્રને જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમત ઉદ્યોગજગતને ભારે પડી રહી છે અને આમ આદમીથી માંડીને ઉદ્યોગોને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો સમય આવી ગયો છે. ટી વી નરેન્દ્રન તાતા સ્ટીલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કાપ મૂકવા માટે પગલાં લેવા જાેઇએ. નરેન્દ્રને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માગ કરી હતી.