દેશના ૬૮ ટકા લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ ચૂકી છે : સર્વેક્ષણ

નવી દિલ્હી: દેશભરમાં કરાવવામાં આવેલા સીરોલોજિકલ સર્વેમાં ૬૭.૬ ટકા લોકો પોઝિટિવ આવ્યા છે. જેનો અર્થ છે કે આટલા ટકા લોકો પહેલા જ સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે અને તેના શરીરમાં કોવિડ-૧૯ વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થઈ ચુકી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, દેશમાં કરાવવામાં આવેલા સીરો સર્વેમાં ૬૭.૭ ટકા લોકો સીરો પોઝિટિવ આવ્યા છે. આ સર્વે જૂન-જુલાઈમાં કરાવવામાં આવ્યો છે. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો જૂન-જુલાઈમાં ૨૧ રાજ્યોના ૭૦ જિલ્લામાં કરવામાં આવ્યો હતો. તેમાં ૬-૧૭ વર્ષની ઉંમરના બાળકો સામેલ હતા. તેમણે કહ્યું કે, સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા સ્વાસ્થ્ય કર્મીઓમાં ૮૫ ટકામાં સાર્સ-સીઓવી-૨ વિરુદ્ધ એન્ટીબોડી મળી છે, જ્યારે સ્વાસ્થ્ય કર્મીઓમાં ૧૦ ટકાને અત્યાર સુધી રસી લાગી નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, એક તૃતિયાંશ જનસંખ્યામાં સાર્સ-સીઓવી-૨ એન્ટીબોડી ન મળી, જેનો અર્થ છે કે આશરે ૪૦ કરોડ લોકોને હજુ પણ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે. કોરોના કેસને ધ્યાનમાં રાખતા સરકારે લોકોને કહ્યું કે, સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડાથી દૂર રહે, બિનજરૂરી યાત્રા ટાળે, અને સંપૂર્ણ રસીકરણ બાદ યાત્રા કરે. આઈસીએમઆરે કહ્યું કે, બાળકો વાયરસના સંક્રમણનો સારી રીતે સામનો કરી શકે છે. પ્રાથમિક વિદ્યાલયોને પહેલા ખોલવા પર વિચાર કરવો યોગ્ય રહેશે.
સીરો સર્વોમાં સામેલ ૧૨,૬૦૭ લોકો એવા હતા, જેણે વેક્સિન લીધી નથી. ૫૦૩૮ એવા હતા જેને એક ડોઝ લાગ્યો હતો અને ૨૬૩૧ ને બંને ડોઝ લાગ્યા હતા. સર્વેમાં સામે આવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લેનારામાં ૮૯.૮ ટકા એન્ટીબોડી બની. તો એક ડોઝ લેનારામાં ૮૧ ટકા એન્ટીબોડી બની છે. તેણે વેક્સિન નથી લીધી એવા ૬૨.૩ ટકા લોકોમાં એન્ટીબોડી મળી. તેવામાં એવું માની શકાય છે કે વેક્સિન લીધા બાદ એન્ટીબોડી બની રહી છે.