દેશના ૭ ક્રિકેટ સ્ટેડિયમ નેહરુ તો ૪ ગાંધીના નામ ઉપર છે
નવીદિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. પહેલા આ સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું. જ્યારે કોઈ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નેતા કે પ્રધાનમંત્રીના નામ પર રાખવામાં આવ્યું હોય તેવો પ્રથમ બનાવ નથી. દેશમાં કુલ ૫૨ એવા ક્રિકેટ સ્ટેડિયમ છે જ્યાં ઓછામાં ઓછી એક ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. આમાંથી એકપણ સ્ટેડિયમનું નામ ક્રિકેટ ખેલાડીના નામ પર નથી. સ્ટેડિયમમાં સ્ટેન્ડના નામ ખેલાડીઓના નામ પરથી જરૂર રાખવામાં આવ્યા છે.
દેશના ૧૬ ક્રિકેટ સ્ટેડિયમ પ્રધાનમંત્રીઓના નામ પર છે. સૌથી વધારે ૭ સ્ટેડિયમ નેહરુના નામે છે. બે રાજીવ ગાંધી અને બે ઇન્દિરા ગાંધીના નામે છે. આ સિવાય લાલ બહાદુર શાસ્ત્રી, અટલ બિહારી બાજપેયી અને નરેન્દ્ર મોદીના નામે એક-એક સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યું છે. આ સિવાય આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ડો. વાયએસ રાજશેખર રેડ્ડી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી બરકાતુલ્લાહ ખાનના નામ પર એક-એક સ્ટેડિયમ છે.
દેશના બે ક્રિકેટ સ્ટેડિયમના નામ પૂર્વ હોકી ખેલાડીઓના નામ પર રાખવામાં આવ્યા છે. જેમાં એક ગ્વાલિયરનું કેપ્ટન રુપ સિંહ સ્ટેડિયમ અને બીજુ લખનઉનું કેડી સિંહ બાબુ સ્ટેડિયમ છે. બંને ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. બે સ્ટેડિયમ અંગ્રેજાેના નામે પણ છે. જેમાં મુંબઈનું બ્રેબોર્ન સ્ટેડિયમનું નામ ગર્વનર લોર્ડ બ્રેબોર્ન અને કાનપુરના ગ્રીન પાર્કનું નામ બ્રિટીશ લેડી મેડમ ગ્રીનના નામે રાખવામાં આવ્યું છે. આ સિવાય બેંગલુરનું સ્ટેડિયમનું નામ વકીલના નામે છે. એમએ ચિન્નાસ્વામી વકીલ હતા. તે બીસીસીઆઈના અધ્યક્ષ પણ રહ્યા હતા.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ કોઈ સ્ટેડિયમનું નામ ખેલાડીઓના નામે નથી. જાેકે વેસ્ટ ઇન્ડીઝમાં છે. વિન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમ્મી અને સર વિવિયન રિચર્ડ્સના નામે સ્ટેડિયમ છે.