દેશની સરહદ સુરક્ષા દળોએ જાગ્રત રહેવું પડશે : અમિત શાહ
નવીદિલ્હી: દેશના ગૃહ પ્રધાન અમિત શાહનું કહેવું છે કે ડ્રોનના ખતરા બાદ નજીકના ભવિષ્યમાં સરહદ પારથી આર્ટિફિશિયલ ઈન્ટેસિજેંસ અને રોબોટિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ શકે છે. આ માટે દેશની સરહદ સુરક્ષા દળોએ જાગ્રત રહેવું પડશે અને લાંબા ગાળાની નીતિ તૈયાર કરવી પડશે.
ગૃહમંત્રી અમિત શાહ શનિવારે રાજધાની દિલ્હીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ૧૮મા અલંકરણ સમારોહ દરમિયાન સરહદ રક્ષકોને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન બે ગૃહ રાજ્ય પ્રધાનો નિત્યાનંદ સ્વામી અને અમિત મિશ્રા સહિત બીએસએફના ડાયરેક્ટર જનરલ, રાકેશ અસ્થાના ઉપરાંત આઈબી ડાયરેક્ટર અરવિંદ કુમાર અને રો ચીફ સામંત ગોયલ પણ હાજર રહ્યા હતા.
જમ્મુના એર સ્ટેશન અને સરહદી વિસ્તારોમાં તાજેતરમાં થયેલા ડ્રોન હુમલાઓનો ઉલ્લેખ કરતાં ગૃહમંત્રીએ કહ્યું કે ડ્રોન વિરુદ્ધ અમારું અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડીઆરડીઓ અને અન્ય દેશી સંસ્થાઓ આ અંગે કામ કરી રહી છે. મારું માનવું છે કે દેશી ડ્રોન એન્ટી ડ્રોન સિસ્ટમ ટૂંક સમયમાં સરહદ પર ગોઠવવામાં આવશે. ગૃહ પ્રધાનના જણાવ્યા અનુસાર, એન્ટી ડ્રોન ટેકનોલોજી માટે અવારનવાર હેકાથોન સિરીઝનું આયોજન કરવું જાેઈએ.
ગૃહ પ્રધાન અમિત શાહે સરહદ સુરક્ષા દળ (બીએસએફ) ના જવાનો અને તેમના પરિવારોને સંબોધન કરતાં કહ્યું કે અગાઉ આપણી પાસે કોઈ સ્વતંત્ર રક્ષા નીતિ નહોતી. તે હંમેશાં વિદેશી નીતિથી પ્રભાવિત રહેતી હતી અથવા વિદેશ નીતિ રક્ષા નીતિ પર ઓવરલેપ કરતી હકી. પરંતુ અમે નવી સંરક્ષણ નીતિ તૈયાર કરી. આ અંતર્ગત, આપણે બધા દેશો સાથે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ જાે કોઈ અમારી સરહદોનું ઉલ્લંઘન કરે છે અથવા આપણી સાર્વભૌમત્વને પડકાર આપે છે, તો સંરક્ષણ નીતિની પ્રાથમિકતા હશે કે તેને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.