દેશની સૈનિક સ્કૂલોમાં પણ અનામત લાગુ થશે , 27 ટકા સીટો ઓબીસી માટે રહેશે

નવી દિલ્હી, દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે 2021-22થી અનામત લાગુ કરાશે.સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતા કહ્યુ હતુ કે, દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષથી ઓબીસી માટે 27 ટકા બેઠકો અનામત રહેશે.
જણાવી દઈએ કે, દેશનુ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સૈનિક સ્કૂલ સોસાયટી દેશમાં 33 સૈનિક સ્કૂલોનુ સંચાલન કરે છે.અજય કુમારે કહ્યુ હતુ કે, 13 ઓક્ટોબરે તમામ સ્કૂલોના આચાર્યોને આ નિર્ણયનો અમલ કરવા માટે સૂચના આપતો પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે.
જેમાં કહેવાયુ છે કે, કોઈ પણ સૈનિક સ્કૂલોમાં 67 ટકા બેઠકો જે રાજ્યમાં સ્કૂલ આવેલી છે તેના ઉમેદવારો માટે રિઝર્વ છે.જ્યારે 33 ટકા બીજા રાજ્યોના ઉમેદવારો માટે છે.આ બંને કેટેગરીમાં 15 ટકા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 27 ટકા બેઠકો ઓબીસી માટે છે.આ નીતિ નવા વર્ષથી લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જામનગરના બાલાછડીમાં સૈનિક સ્કૂલ કાર્યરત છે અને આ સ્કૂલમાં પહેલી વખત નવા વર્ષથી ગર્લ્સને પ્રવેશ આપવાનો નિર્ણય પણ લેવાયો છે.આ માટે કુલ બેઠકો પૈકી 10 ટકા વિદ્યાર્થિનીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.તાજેતરમાં જ ગુજરાતના ડીફેન્સ પીઆરઓ દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી.