Western Times News

Gujarati News

દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં ગુજરાત પાંચમાં ક્રમે: ૨૦ નદીઓ પ્રદૂષિત

નવીદિલ્હી, પ્રદૂષણની સમસ્યા દેશમાં દિન-પ્રતિદિન વધી રહી છે. હવાના પ્રદૂષણ પછી પાણીના પ્રદૂષણનો પ્રશ્ન ઊભો થયો છે અને નદીના પ્રદૂષણમાં ગુજરાતનું સ્થાન દેશમાં પાંચમાં ક્રમે આવે છે. એટલે કે ગુજરાત વિકાસની દૃષ્ટિએ આગળ પડતું સ્થાન ધરાવે છે, તેમ નદીઓના પ્રદૂષણમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. દેશ સૌથી વધારે પ્રદૂષિત નદીઓની સંખ્યા ૩૫૧ થઇ ગઈ છે અને તેમાં ગુજરાતની ૨૦ નદીઓનો સમાવેશ થાય છે.

લોકસભામાં કેન્દ્ર સરકારના વોટર રીસોર્સ, રીવર ડેવલપમેન્ટ દ્વારા આ પ્રદૂષિત નદીઓના આંકડાઓ બહાર પાડવામાં આવ્યા હતા. આ આંકડાઓમાં ગુજરાતની પ્રદૂષિત નદીઓની સંખ્યા ૨૦ પર પહોંચતા ક્યાંક ને ક્યાંક ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.  સરકાર દ્વારા ગુજરાતની અલગ-અલગ નદીઓની સફાઈ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ નદીઓની હાલત શા માટે સુધરતી નથી તે પણ એક મોટો સવાલ છે.

લોકસભામાં કેન્દ્ર સરકારના વોટર રીસોર્સ, રીવર ડેવલપમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતની ૨૦ પ્રદુષિત નદીઓમાં સાબરમતી, નર્મદા, અમલાખડ, ભાદર, ભોગાવો, ખારી, વિશ્વમિત્રી, ત્રિવેણી, અમરાવતી, દમણગંગા, કોલક, માહી, શેઢી, તાપી, અનાસ, બલેહવર, કીમ, મેશ્વા, મિંઢોળા નદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અલગ-અલગ રાજ્યમાં પ્રદૂષિત નદીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની ૫૩, આસામની ૪૪, મધ્યપ્રદેશની ૨૨, કેરળની ૨૧, ગુજરાતની ૨૦, ઓડિશાની ૧૯, પશ્ચિમ બંગાળની ૧૭ અને કર્ણાટકની ૧૭ નદીઓનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.