દેશની ૪ સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે
નવીદિલ્હી: ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની પોતાની નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારે ૪ સરકારી બેન્કોને ખાનગી બેન્ક બનાવવા માટે પસંદ કરી લીધી છે. આ પૈકી ૩ બેન્ક નાની બેન્ક છે. એક મોટી બેન્ક છે. ત્રણ નાની બેન્કમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીસ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક છે. જ્યારે મોટી બેન્કમાં બેન્ક ઓફ ઇન્ડિયા છે. તેની ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થવામાં પાંચથી છ મહિના લાગશે.
સરકારે બજેટમાં બે બેન્કોમાં હિસ્સો વેચવાની વાત કરી હતી, જાેકે મોદી સરકાર દેશમાં કેટલીક મોટી સરકારી બેન્કોને ચલાવવાના પક્ષમાં છે.
દેશમાં મોટી સરકારી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્કનો સમાવેશ થાય છે.
જાેકે સરકારી બેન્કને ખાનગી બેન્ક બનાવવાથી રાજકીય પક્ષો બચતા રહ્યાં છે, કારણ કે તેમાં લાખો કર્મચારીઓની નોકરીઓ પર જાેખમ રહે છે.
જાેકે સરકાર આ અગાઉ કહી ચૂકી છે કે બેન્કોને ઓછી કરવા અથવા ખાનગીકરણ કરવાની સ્થિતિમાં કર્મચારીઓની નોકરી જશે નહીં. સરકારને ડર છે કે બેન્કો વેચવાની સ્થિતિમાં બેન્ક યુનિયનો વિરોધ પર ઉતરી શકે છે. આ સ્થિતિમાં તે સમયાંતરે બેન્કોનું વેચાણ કરવાનો પ્રયાસ કરશે. બેન્ક ઓફ ઇન્ડિયા પાસે ૫૦ હજાર કર્મચારીઓ છે જ્યારે સેન્ટ્રલ બેન્કમાં ૩૩ હજાર કર્મચારીઓ છે. ઇન્ડિયન ઓવરસીસ બેન્કમાં ૨૬ હજાર અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ૧૩ હજાર કર્મચારીઓ છે. આ રીતે એકંદરે એક લાખથી વધારે કર્મચારીઓ આ ચાર બેન્કોમાં છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ઓછા કર્મચારીઓ હોવાથી તેને ખાનગી બનાવવામાં સરળતા રહેશે.