દેશની ૭૦ ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો!

નવીદિલ્હી, દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાન હેઠળ ૭૦ ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી હતી. બીજી તરફ દેશની ૨૫ ટકા વસ્તીને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૯૦ કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે, રસીના ૮૯.૮૯ કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી ૫.૬૭ કરોડથી વધુ ડોઝ હાલ રાજ્યો પાસે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે દેશમાં જાન્યુઆરી મહિનામાં રસીકરણની શરૂઆત થઈ હતી. કોરોનાની રસી સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને આપવામાં આવી હતી.
આ પછી વૃદ્ધ અને બીમાર લોકોને રસી આપવામાં આવી હતી. હાલ રસી ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આપવામાં આવી રહી છે.
હાલ દેશમાં કોરોનાની સ્થિતીની વાત કરીએ તો, દેશભરમાં કોરોના વાયરસના કુલ ૨,૬૪,૪૫૮ દર્દીઓ છે. જ્યારે કોરોના સંક્રમણને કારણે દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૮,૯૯૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે દેશમાં પાંચ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના દૈનિક કેસ સૌથી વધુ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ૮૬ ટકા નવા કેસ પાંચ રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી આવી રહ્યાં છે. તેમાંથી ૫૯ ટકા માત્ર કેસ કેરળના છે.HS