Western Times News

Gujarati News

દેશભરની શાળાઓ માટે હવે નવો અભ્યાસક્રમ આવશે

NCERT‌ને પાઠ્‌યપુસ્તકમાં ફેરફાર કરવા માટે ફરમાન
નવી દિલ્હી,  શાળાકીય શિક્ષણ માટે રાષ્ટ્રીય પાઠ્‌યક્રમની રૂપરેખામાં ૧૫ વર્ષ બાદ ફેરફાર કરવામાં આવી રહ્યો હોવાનું કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું. નવી રૂપરેખાનો ડ્રાફ્‌ટ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. તેની સાથે નવીન અભ્યાસક્રમ આગામી વર્ષના માર્ચ સુધીમાં તૈયાર થઈ જવાની સંભાવના વ્યકત કરાઈ છે.

આ ઉપરાંત કોરોનાકાળને અનુલક્ષીને દેશભરમાં જે વિદ્યાર્થીઓ પાસે ઈન્ટરનેટની સુવિધા નથી, તેમના માટે પૂરક અભ્યાસ સામગ્રી તૈયાર કરાશે. મંત્રાલયની એક યાદીમાં જણાવ્યા મુજબ શાળાકીય શિક્ષણ માટે નવીન અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. નવા અભ્યાસક્રમ મુજબ પુસ્તકોમાં જરૂરી ફેરફાર કરવાની એનસીઈઆરટી પાસેથી આશા રાખવામાં આવી રહી છે.

શાળાકીય શિક્ષણના માટે આ પ્રક્રિયાનો આરંભ જે તે વિષયોના તજક્ષો કરશે. તેમજ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. નવો અભ્યાસક્રમ માર્ચ ૨૦૨૧ સુધીમાં તૈયાર થવાની સંભાવના વ્યકત કરાઈ છે. પાઠ્‌યપુસ્તકોમાં ફેરફાર કરતી વખતે એ ધ્યાન રાખવામાં આવે કે તથ્યોના સિવાય તેમાં અન્ય કોઈ વધારાની વિગતો ન હોય.

આ માટે મંત્રાલયે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ પરિષદને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ પાઠ્‌યપુસ્તકોમાં કિતાબી જ્ઞાન વધારે છે. તેમાં વધારાની વસ્તુ જેવી કે રચનાત્મક વિચાર, જીવન સાથે સંકળાયેલા કોશલ્ય, ભારતીય સંસ્કૃતિ, કળા અને અન્ય વિષયવસ્તુઓને સામેલ કરવામાં આવે. પરિષદના પાઠ્‌ય પુસ્તકોમાં અત્યાર સુધીમાં માત્ર ૫ વખત, વર્ષ ૧૯૭૫, ૧૯૮૮, ૨૦૦૦ અને ૨૦૦૫માં ફેરફાર થયો છે.

નવા અભ્યાસક્રમ મુજબ ધો.૧થી ધો.૧૨ સુધીના તમામ પાઠ્‌યપુસ્તકોમાં ફેરફાર થશે. આ ઉપરાંત મંત્રાલયે કોવિડ – ૧૯ની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને દેશભરના એવા વિદ્યાર્થીઓના માટે કે જેમની પાસે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી, તેમના માટે પુરક અભ્યાસ સામગ્રી તૈયારી કરવાની સૂચના એનસીઈઆરટીને આપી છે. પરિષદને આ પ્રકારની અભ્યાસ સામગ્રી ધો.૧થી ૫ માટે ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં અને ધો.૬થી ૧૨ માટે જૂન ૨૦૨૧ સુધીમાં તબક્કાવાર રીતે તૈયાર કરવા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.