દેશભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩૯,૭૨૬ કેસ, ૧૫૯નાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/corona-7-scaled.jpg)
નવીદિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ વણસતી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં ૩૯ હજારથી વધુ લોકો પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જે છેલ્લા ૧૧૦ દિવસનો રેકોર્ડ છે. આ ઉપરાંત એક્ટીવ કેસો પણ ૧૧૦ દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે, જ્યાં એક જ દિવસમાં ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. પાંચ રાજ્યમાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે. સૌથી વધુ કોરોનાના દર્દી મહારાષ્ટ્રમાં ૫૮ નોંધાયા છે. આ ઉપરાંત પંજાબમાં ૩૨ અને કેરળમાં ૧૫ દર્દીઓએ કોરોના સામે લડતા જીવ ગુમાવ્યા છે.
દેશમાં કુલ ૩ કરોડ ૯૩ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૯,૭૨૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. ૧૦૦ દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૫૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૫,૧૪,૩૩૧ થઈ ગઈ છે.
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૦ લાખ ૮૩ હજાર ૬૭૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૦,૬૫૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૭૧,૨૮૨ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૦૪૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૮ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૩,૧૩,૭૦,૫૪૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૦,૫૭,૩૮૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨૭૬ કેસ નોંધાયા છે. જેની સામે ૮૯૯ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૩ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૪૩૩ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૬.૪૨ ટકા છે. અત્યાર સુધીમાં ૨૪,૧૩,૩૫૦ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૫,૬૭,૬૭૧ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. આજે ૬૦ વર્ષથી વધારે વય ધરાવતા તેમજ ૪૫થી ૬૦ વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા ૧,૩૭,૦૫૦ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જાેવા મળી નથી.