દેશભરમાં 6300 જન ઔષધિ કેન્દ્રો પર જરૂરી દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: માંડવિયા
રાજકોટના લોકો કોવિડ-19 લૉકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી જરૂરી દવાઓ મેળવી રહ્યાં છે
જનઔષધિ કેન્દ્રના લોકો કોરોના યોદ્ધા તરીકે કામ કરી રહ્યાં છેઃ શ્રી મનસુખભાઈ માંડવિયા
ગરીબ તથા મધ્યવર્ગ ને કોઈપણ દવાઓ સસ્તાભાવે મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા. સરકારની આ યોજના આજે કોવિડ-19 લૉકડાઉનના સમયમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
(સમીરભાઈ ખીરા જન ઔષધિ કેન્દ્ર પર પોતાની નિયમિત જરૂરીયાત દવાઓ મેળવી રહ્યાં છે)
રાજકોટના કિસાનપરા ચોકમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં નિયમિત દવાઓ લેવા આવતા શહેરના રહેવાસી સમીરભાઈ ખીરાએ જણાવ્યું હતું કે અહીં દવાઓ ખૂબ જ સસ્તી મળી રહી છે. કોઈ પણ દવાઓની આપણને જરૂરિયાત હોય તો તેના પર 40 થી 60 % જેટલું ડિસ્કાઉન્ટ મળી રહે છે જે તમામ વર્ગના લોકોના પોસાય તેવા ભાવમાં દવાઓ અહીં મળે છે. હાલ કોરોનાની મહામારીમાં આ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર અમને આશીર્વાદ સમાન બની રહ્યું છે, અમે કેન્દ્ર સરકારના આભારી છીએ.
(કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા)
કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, દેશભરમાં 6300 જનઔષધિ કેન્દ્રો પર વાજબી કિંમતે દવાઓ ઉપલબ્ધ છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિમાં યુદ્ધનાં ધોરણે વેરહાઉસ રાતદિવસ કામ કરી રહ્યાં છે. જન ઔષધિ કેન્દ્રના લોકો કોરોના યોદ્ધા કરી કે કાર્ય કરી રહ્યાં છે.
(તુષારભાઈ જાની જન ઔષધિ કેન્દ્ર પર પોતાની નિયમિત જરૂરીયાત દવાઓ મેળવી રહ્યાં છે)
રાજકોટના સ્થાનિક તુષારભાઈ જાની કહે છે હું બીપી અને ડાયાબિટીસની દવાઓ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી લઈ રહ્યો છું જે અન્ય મેડિકલ સ્ટોર્સ કરતા સસ્તા ભાવે મને મળી રહી છે. અમે કેન્દ્ર સરકારનો આ બાબતે હૃદય પૂર્વ આભાર વ્યક્ત કરીયે છીએ કારણ કે હાલ તમામ વર્ગને મોંઘી દવાઓ પોસાય તેમ નથી ત્યારે આ સ્ટોર્સ અમારા જેવા મધ્યમવર્ગીય લોકો માટે આશીર્વાદ રૂપ છે.
કોવિડ-19નાં પ્રસારને કારણે સમગ્ર દેશમાં લાગુ લૉકડાઉન દરમિયાન પણ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોના ફાર્માસિસ્ટો દેશનાં સામાન્ય નાગરિકોને વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પૂરી પાડે છે. અત્યારે સમગ્ર દેશમાં 726 જિલ્લાઓમાં 6300થી વધારે પીએમજેએકે છે કાર્યરત છે.
પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના (પીએમબીજેપી)નું સંચાલન ભારત સરકારનાં રસાયણ અને ખાતર મંત્રાલયનો ફાર્માસ્યુટિકલ્સ વિભાગ કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમાં કોઈ પણ વ્યક્તિને ગુણવત્તાયુક્ત અને વાજબી દવાઓ પૂરી પાડવાનો છે. PIB