દેશમાં અત્યાર સુધીમાં ૪૪૭ લોકોમાં કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટ
નવીદિલ્હી, કોરોના સામે જંગ જીતવા માટે દેશમાં વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વેક્સીનના પહેલા ચરણમાં ૩ કરોડ કોરોના વોરિયર્સને સૌથી પહેલા વેક્સીન આપવામાં આવી રહી છે. ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા આ અભિયાનની વચ્ચે થોડી ચિંતા વધારનારા અહેવાલો સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વેક્સીન લીધા બાદ અત્યાર સુધી કુલ ૪૪૭ લોકો પર પ્રતિકૂળ પ્રભાવ જાેવા મળ્યો છે. તેમાંથી ત્રણ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, કોરોના વેક્સીન લીધા બાદ અનેક લોકોમાં વેક્સીનનો પ્રતિકૂળ પ્રભાવ જાેવા મળી રહ્યો છે. દિલ્હીના ૫૨ હેલ્થ વર્કર્સને વેક્સીન આપ્યા બાદ તકલીયનો સામનો કરવો પડ્યો છે. વેક્સીન લેનારા હેલ્થ વર્કર્સમાં કોઈને એલર્જીની ફરિયાદ થઈ તો કેટલાક લોકોએ જણાવ્યું કે વેક્સીન લીધા બાદ તેમને ગભરામણ થવા લાગી. દિલ્હીમાં જે ૫૨ હેલ્થ વર્કર્સને વેક્સીન આપ્યા બાદ તકલીફ થઈ છે તેમાંથી એક વર્કરને સેન્ટરમાં દાખલ કરવા પડ્યા. નોંધનીય છે કે, દેશમાં અત્યાર સુધી ૨,૨૪,૩૦૧ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ૧૬ જાન્યુઆરીએ કોરોના વેક્સીન આપ્યા બાદ ૫૧ હેલ્થ વર્કર્સમાં સામાન્ય તકલીફ જાેવા મળી જ્યારે એક કેસ થોડો ગંભીર જાેવા મળ્યો. જે હેલ્થ વર્કરને દાખલ કરવામાં આવ્યા છે, તેમની ઉંમર ૨૨ વર્ષ છે અને તેઓ સિક્યુરિટીમાં કામ કરે છે.
આ વ્યક્તિને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકી ૫૧ને થોડી વારના નિરીક્ષણ બાદ રજા આપી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે, સરકારે દરેક સેન્ટર પર કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં વેક્સીન લીધા બાદ આડઅસર જાેવા મળતાં ચેકઅપની સુવિધા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં શનિવારે કોવિડ-૧૯ મહામારીની વિરુદ્ધ દુનિયાની સૌથી મોટા વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બે વેક્સીન કોવીશિલ્ડ અને કોવેક્સીનને મંજૂરી આપી છે. તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે બનાવી છે. વેક્સીનેશનના પહેલા ચરણમાં ત્રણ કરોડ લોકોને પ્રાથમિકતાના આધાર પર વેક્સીન આપવામાં આવશે.HS