દેશમાં અત્યાર સુધી ૧૮ કરોડથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી
નવીદિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસીનો ડોઝ ૧૮ કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. રાત્રે આઠ વાગ્યા સુધી દેશમાં કોવિડની આપવાની કુલ સંખ્યા ૧૮,૦૪,૨૯,૨૬૧ છે. કોવિડ-૧૯ રસીકરણ અભિયાને સફળતાપૂર્વક ૧૧૮ દિવસ પૂરા કર્યા છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગપૂર્ણ પ્રયાસોથી કુલ ૧૮ કરોડ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. રસીકરણના ૧૮ કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી ભારત સૌથી ઝડપથી એટલે કે ૧૧૪ દિવસમાં પહોંચી ગયું છે યુએસસએને આટલી સંખ્યામાં રસીના ડોઝ આપવામાં ૧૧૫ દિવસ જ્યારે ચીનને ૧૧૯ દિવસ લાગ્યા હતા.
અત્યાર સુધીમાં ૧૮,૦૪,૨૯,૨૬૧ આપવામાં આવેલા કોવિડ રસીના ડોઝમાંથી ૯૬,૨૭,૧૯૯ સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તથા ૬૬,૨૧,૬૭૫ લાખ સ્વાસ્થ્ય કર્મીઓને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટ વોરિયર્સ ૧,૪૩,૬૩,૭૫૪ કર્મચારીઓને પ્રથમ ડોઝ તથા ૮૧,૪૮,૭૫૭ લાખ કર્મચારીઓને બીજાે ડોઝ મળી ચૂક્યો છે. મંત્રાલયે કહ્યું કે ૧૮-૪૪ વર્ષના કુલ ૪૨,૫૫,૩૬૨ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
‘કોવિડ-૧૯ રસીકરણની ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-૩ની વ્યૂહનીતિ’નો અમલ ૧ મે ૨૦૨૧ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઉપલબ્ધ ડોઝમાંથી ૫૦% જથ્થો ભારત સરકારની ચેનલ મારફતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે આપવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે જ્યારે બાકી રહેલો ૫૦% જથ્થો રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો સીધા જ રસીના ઉત્પાદક પાસેથી ખરીદી શકશે.
ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના પુરવઠાની ફાળવણી તેમની વપરાશની રૂપરેખા અને આગામી પખવાડિયામાં બીજા ડોઝના લાભાર્થીઓના ભારણના આધારે નક્કી કરવામાં આવે છે. ૧૬થી ૩૧ મે ૨૦૨૧ સુધીના પખવાડિયા દરમિયાન કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિશિલ્ડ અને કોવેક્સિનના ૧૯૧.૯૯ લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. આમાં કોવિશિલ્ડના ૧૬૨.૫ લાખ ડોઝ અને કોવેક્સિનના ૨૯.૪૯ લાખ ડોઝ સામેલ રહેશે.
આ ફાળવણી માટેનું ડિલિવરી શેડ્યૂલ અગાઉથી બધાને આપી દેવામાં આવ્યું છે. રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે, સંબંધિત અધિકારીઓ તેમને ફાળવવામાં આવેલા ડોઝનો વ્યવહારુ અને ઉચિત ઉપયોગ સુનિશ્ચિત કરે અને રસીનો બગાડ શક્ય એટલો ઓછા થાય તેના પર ધ્યાન આપે.
ભારત સરકાર દ્વારા ૧૫ દિવસ અગાઉથી જ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વિનામૂલ્યે રસીના જથ્થા વિશે આગોતરી જાણ કરવાનો મૂળ ઉદ્દેશ તેઓ વિનામૂલ્યે પ્રાપ્ત થનારા આ ડોઝના ઉચિત અને શ્રેષ્ઠતમ ઉપયોગ માટે પોતાના તરફથી પૂર્વતૈયારીનું પ્લાનિંગ કરી શકે તે માટેનો છે. વિનામૂલ્યે મળનારા આ ડોઝ ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, ૐઝ્રઉ અને હ્લન્ઉ માટે છે. ૧થી ૧૫ મે ૨૦૨૧ સુધીના અગાઉના પખવાડિયામાં કેન્દ્ર સરકારે રાજ્યોને કુલ ૧.૭ કરોડ રસીના ડોઝ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત, રાજ્યો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધી ખરીદી માટે કુલ ૪.૩૯ કરોડથી વધારે ડોઝનો જથ્થો મે ૨૦૨૧માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.