દેશમાં આગામી દિવસોમાં રોજના 10 લાખ ટેસ્ટ કરવાનો ટાર્ગેટઃ વડાપ્રધાન મોદી
નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ શહેરો-નોઈડા, મુંબઈ અને કોલકાતામાં કોરોના ટેસ્ટિંગમાં હાઈ થ્રૂપુટ (ઓટોમેટેડ) સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. આ સેન્ટરમાં એક દિવસમાં 10 હજાર ટેસ્ટ કરી શકાશે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે આ સેન્ટર મારફતે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં વધુ ઝડપ લાવી શકાશે. આ ઉપરાંત ચોક્કસ સમયમાં બીમારી વિશે જાણકારી મેળવવા તથા સારવાર શરૂ કરવામાં મદદ મળશે.આ રીતે સંક્રમણને ફેલાતુ અટકાવી શકાશે.
વર્તમાન સમયમાં દેશમાં 5 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં દરરોજ 10 લાખ ટેસ્ટ થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરોનાના સમયમાં એક સંકલ્પ છે કે એક-એક ભારતીયને બચાવવાના છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત બીજા ક્રમનો સૌથી મોટો PPE કિટ ઉત્પાદક દેશ છે. 6 મહિના અગાઉ દેશમાં એક પણ ઉત્પાદક ન હતા, આજે 1200થી વધારે ઉત્પાદકો દરરોજ 5 લાખથી વધારે PPE કિટ બનાવી રહ્યા છે. એક સમયે N-95 માસ્ક પણ બહારથી આયાત થતા હતા, આજે દરરોજ 3 લાખ માસ્કનું ઉત્પાદન થાય છે.