દેશમાં આગામી સપ્તાહોમાં કોરોનાથી મોતની સંખ્યા બમણી થઈ શકે છે
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કારણે સ્થિતિ સતત બગડી રહી છે. છેલ્લા ઘણા દિવસોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ભલે થોડા ઘટ્યા છે, પરંતુ ખતરો હજુ દૂર થયો નથી. કોરોનાના વધતા દર્દીઓ પછી હવે એ વાતની આશંકા વ્યક્ત કરાઈ છે કે, આવનારા સમયમાં ભારતમાં કોરોનાથી થનારા મોતોની સંખ્યા બે ગણી સુધી થઈ શકે છે.
કેટલાક રિસર્ચર્સે પોતાની સ્ટડીના આધારે શંકા વ્યક્ત કરી કે, આવનારા દિવસોમાં ભારતમાં કોવિડથી થનારા મોતોની સંખ્યા વધશે. તે હાલની સરખામણીમાં બે ગણી સુધી થઈ શકે છે. બેંગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની એક ટીમે કોરોનાના હાલના આંકડાનું પોતાના ગણિતીય મોડલ દ્વારા વિશ્લેષણ કર્યું. આ ટીમ મુજબ, જાે કોરોનાની ચાલ આ જ રીતે જળવાયેલી રહેશે તો ૧૧ જૂન સુધી ભારતમાં કોરોનાથી થનારા મોતોની સંખ્યા વધીને ૪ લાખ ૪ હજાર સુધી થઈ શકે છે.
વોશિંગ્ટન યુનિવર્સિટીના હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશન ઈન્સ્ટિટ્યૂટે પણ પોતાના વિશ્લેષણના આધારે કહ્યું છે કે, જુલાઈના અંત સુધીમાં ભારતમાં કોવિડથી ૧૦,૧૮,૮૭૯ દર્દીઓના જીવ જઈ શકે છે. ભારત જેવા દેશમાં કોરોનાની લહેર અંગે જાેકે કોઈપણ અંદાજ લગાવવો મુશ્કેલ પણ છે. કોરોનાની જે સ્થિતિ છે, તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, ટેસ્ટિંગનું પ્રમાણ વધારી આ ખતરાને થોડી હદ સુધી ઓછો કરી શકાય છે. હાલના સમયમાં દેશના ઘણા રાજ્યોમાંથી ઓક્સિજનની અછતથી કોરોના
દર્દીઓના મોતના અહેવાલો પણ સામે આવ્યા.
બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન આશીષ ઝા મુજબ, આગામી ચારથી છ સપ્તાહ ભારત માટે ઘણા મુશ્કેલ થવા જઈ રહ્યા છે. પડકાર મોટો છે અન પ્રયાસ કરવો જાેઈએ કે જે મુશ્કેલ સમય છે તે લંબાય નહીં. તેના માટે જરૂરી છે કે, જલદીમાં જલદી નક્કર પગલાં ઉઠાવવા જાેઈએ. આરોગ્ય મંત્રાલય તરફથી સોમવારે કહેવાયું કે, કોઈપણ પરિણામ પર જલદી પહોંચી શકાય નહીં. દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોના કેસ થોડા ઓછા થયા છે.
દેશમાં એક દિવસમાં કોરોનાથી રેકોર્ડ ૩,૭૮૦ લોકોના મોત પછી આ બીમારીથી જીવ ગુમાવનારાઓની સંખ્યા ૨,૨૬,૧૮૮ થઈ ગઈ છે. તો એક દિવસમાં સંક્રમણના ૩,૮૨,૩૧૫ નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી બુધવારે જણાવાયું કે, આ નવા કેસ બાદ કોવિડ-૧૯ના કુલ કેસ વધીને ૨,૦૬,૬૫,૧૪૮ થઈ ગઈ છે. સતત વધતા કેસો પછી દેશમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ૩૪,૮૭,૨૨૯ થઈ ગઈ છે, જે સંક્રમણના કુલ કેસોના ૧૬.૮૭ ટકા છે.