દેશમાં એક્ટિવ કેસ 4 લાખની નજીક પહોંચ્યા: રિકવરી રેટ ઘટીને 97.45% થયો

નવી દિલ્હી, કેરળમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 32 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 188 દર્દીઓ કોવિડ સામેની જંગ હારી ગયા છે. કેરળમાં સંક્રમણમાં વ્યાપક વધારાના કારણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 45 હજારને પાર થઈ ગઈ છે. બીજી તરફ, ચિંતાનો વિષય એ છે કે કોવિડ રિકવરી રેટ ઘટીને 97.45 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ પણ 4 લાખની નજીક પહોંચી ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,352 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 366 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,28,57,937 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 67,09,59,968 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 74,84,333 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 20 લાખ 63 હજાર 616 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,791 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.45 ટકા છે.
હાલમાં 3,99,778 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,39,895 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 2 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 52,65,35,068 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 16,66,334 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.