Western Times News

Gujarati News

દેશમાં ઓક્સિજન આઇસીયુ બેડનાં અભાવે લોકોનાં મોત થઇ રહ્યા છે : રાહુલનો કટાક્ષ

નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યા જુઓ ત્યા કોરોનાથી પીડિત લોકોની કહાની સાંભળવા મળી રહી છે. હોસ્પિટલ આજે દર્દીઓની ભરાઇ ગઇ છે, અહી બેડ્‌સ નથી, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી, ત્યારે દેશભરમાંથી લોકોનાં મોતનાં સમાચાર સતત સામે આવી રહ્યાં છે. જેના પર હવે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ઓક્સિજન અને આઈસીયુ બેડનો અભાવ હોવાના અહેવાલો વચ્ચે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં, દેશની આ સ્થિતિ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે.

શુક્રવારે ટ્‌વીટ કરીને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, “કોરોના વાયરસનાં કારણે ઓક્સિજનનું સ્તર ઘટી શકે છે, પરંતુ ઓક્સિજનનાં અભાવ અને આઇસીયુ બેડનાં અભાવને કારણે ઘણા મોત થઈ રહી છે. ભારત સરકાર, આ જવાબદારી તમારી છે.”

રાહુલ ગાંધીનું આ ટિ્‌વટ મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાની એક હોસ્પિટલમાં આગને કારણે કોવિડથી પીડિત ૧૩ દર્દીઓનાં મોતનાં સમાચાર પછી આવ્યું છે. દેશનાં ઘણાં શહેરોમાં ઓક્સિજનનો અભાવ હોવાના અહેવાલો છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર ૨૫ દર્દીઓનું મોત નીપજ્યું હતું. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું છે કે આ ઘટના પાછળ ઓક્સિજનનો અભાવ એ સંભવિત કારણ છે.

રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રનાં વિરારમાં એક ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના અંગે અનેક કોવિડ દર્દીઓનાં મોત પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. અગાઉ રાહુલ ગાંધી કોરોના વેક્સિન, નીતિઓને લઈને મોદી સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્‌વીટમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્‌વીટ કર્યું કે ‘હું ઘરે બેઠોં છું, દુઃખદ સમાચાર સતત આવી રહ્યા છે. ભારતમાં સંકટ ફક્ત કોરોના જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓ છે. ખોટી ઉજવણી અને ખોટા ભાષણો નહીં, દેશને સમાધાન આપો!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.