દેશમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસ ફોર્સની ભૂમિકા મહત્વની : પ્રદિપસિહ
ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે,દેશમાં આંતરિક શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસની ભૂમિકા ખૂબ મહત્વની છે. કયારેક ફરજ દરમ્યાન પોલીસ અને પેરા મિલીટરી ફોર્સના જવાનો પોતાના પ્રાણ ન્યોછાવર કરતાં હોય છે.
આવા શહીદ થયેલા પોલીસ કર્મીઓના બલિદાનને બિરદાવીને એમના આ બલિદાન માટે આપણને બધાને જે ગૌરવ છે તેને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડશે, પરંતુ તેમની વીરતાને આવનારી પેઢીઓ સન્માનની લાગણી સાથે વધાવશે અને યાદ રાખશે તેવો મને દૃઢ વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યુ છે.
આજે ગાંધીનગર નજીક ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ ખાતે યોજાયેલ પોલીસ સંભારણા (શહિદ) દિને શ્રધ્ધા સુમન અર્પણ કરવાના સમારંભમાં વીર પોલીસ જવાનોને શ્રધ્ધાજંલિ અને સલામી આપીને ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં લોકશાહી છે.
લોકશાહીમાં પ્રજાની સુરક્ષા- રક્ષા કરવાની જવાબદારીને સરકાર પ્રથમ પ્રાધાન્ય આપે છે. આપણા દેશમાં આંતરિક સુરક્ષા- શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની જવાબદારી પોલીસ પર રહેલી છે. જવાબદારી અને નિષ્ઠાથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ફરજ દરમ્યાન કયારેક પોતાના પ્રાણ પણ ગુમાવવા પડે છે.
ખાખીના જતન, ખુમારી અને આંતરિક રક્ષણ માટે પ્રાણની આહુતિ આપેલ પોલીસ જવાનોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવા આજે સમગ્ર દેશમાં પોલીસ સંભારણા (શહિદ) દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, તેવું કહી વીરગતિ પામનાર સર્વે પોલીસ જવાનોને તેમણે શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી.
મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે,ગયા દશકામાં સમગ્ર દેશ અને રાજ્યની પોલીસ સામે આંતકવાદ અને કોમવાદ જેવા પડકારો હતા. આ પડકારોને પહોંચી વળવા ગુજરાત જેવા રાજ્યોમાં પોલીસ દ્વારા કડક પગલાં અને ગુનાખોરી ન ચલાવી લેવાના રાજય સરકારના દૃઢ નિર્ધારને કારણે રાજ્યમાં શાંતિ જળવાઈ રહી હતી.
ગુજરાતે કોમવાદ સામે Zero Toleranceની નીતિ અપનાવી અને આદર્શ પોલીસ વ્યવસ્થાના માધ્યમથી તોફાની તત્ત્વોને ઓળખી કાઢી તેમની સામે કડક પગલાં લઇને સમાજમાં કાયદાના શાસનની સ્થાપના કરી છે, પરંતુ આ તમામ કામગીરીના પાયામાં પોલીસના જવાનોએ કરેલ કામગીરી અને અનેક વીર જવાનોની શહાદત રહેલી છે.
આજના દિવસે હું આવા તમામ વીર જવાનોના શૌર્ય, તેમની ફરજનિષ્ઠા અને તેમની ખુમારીને સલામ કરું છું. મને ગૌરવ છે કે આજે પણ પોલીસ દળનો દરેક જવાન આવા જ ખમીર – આવી જ વફાદારી સાથે કામ કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ દેશની સેવા માટે સંપૂર્ણ સમર્પણના ભાવ સાથે કામ કરશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.
ગૃહ રાજય મંત્રીશ્રીએ પોલીસે કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ પણ ખૂબ જ નિષ્ઠાથી અદા કરી રહી છે. આ ફરજના કારણે આજે નાગરિકો માન-સન્માન સાથે સલામી આપી રહ્યા છે. પોલીસની ફરજોને પણ બિરદાવી છે. કોરોના મહામારીમાં પણ અનેક પોલીસ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા પોલીસ જવાનોને પણ સલામી આપીને શ્રધ્ધાજંલિ આપી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયાએ પણ પોલીસ જવાનોને પુષ્પાજંલિ અર્પણ કરી સલામી આપી હતી. તેમજ રાજયના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનોએ પણ પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમાં રાજયના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.