દેશમાં કોરોનાકાળનાં છેલ્લા 3 વર્ષમાં સાયબર ક્રાઇમના કેસ પાંચ ગણા વધ્યા
લોકો લોકડાઉન દરમિયાન ઓનલાઇન કામ અને શોપિંગ કરતા હોવાથી ક્રાઇમના કેસ વધ્યા
નવી દિલ્હી, ભારતમાં સાયબર ક્રાઇમના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ સુધીનો ડેટા સરકારે રજૂ કર્યો છે અને કહ્યું કે ત્રણ વર્ષમા સાયબર ક્રાઇમ અને છેતરપિંડીના કેસમાં પાંચ ગણો વધારો નોંધાયો છે.
સંસદીય પેનલને આ માહિતી આપતા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કહ્યું કે આ તમામ બાબતોની જાણકારી ધરાવતા લોકો પાસેથી આ વાત જાણવા મળી છે. કમ્પ્યૂટર સિક્યોરિટી સંબંધિત બાબતોનું ધ્યાન રાખતી સરકારી એજન્સી ઇન્ડિયન કમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે આ આંકડા જાહેર કર્યા છે.
ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૮માં જ્યારે કેસ ૨,૦૮,૪૫૬ હતા, તે ૨૦૨૧માં વધીને ૧૪,૦૨,૮૦૯ થઇ ગયા હતા. વર્ષ ૨૦૨૨ના પ્રથમ બે મહિનામાં ૨,૧૨,૪૮૫ કેસ નોંધાયા છે. આ બાબતની જાણકાર વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મંત્રાલયે ગયા અઠવાડિયે પેનલને લેખિતમાં જણાવ્યું હતું કે ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં સાયબર છેતરપિંડી અને અન્ય સાયબર સંબંધિત ઘટનાઓ જાેઇ છે.
કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન ફિશિંગ, નાણાકીય છેતરપિંડી, મેઇલ-સ્પામ અને રેન્સમવેર હુમલા સંબંધિત કેસોમાં વધારો નોંધાયો છે. લોકડાઉન દરમિયાન જ્યારે લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ બ્રાન્ડ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને કર્મચારીઓ અને અન્ય લોકોને ગેરમાર્ગે દોર્યા છે.
ભારત સિવાય આખી દુનિયામાં પણ આ જાેવા મળ્યું છે, કારણ કે લોકો સતત ટેકનોલોજી સાથે જાેડાયેલા હતા અને સાયબર સિક્યોરિટી અંગે બહુ સભાન નહોતા.
વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પેનલે મંત્રાલય પાસેથી વધુ માહિતી માગી છે, જેથી તેના જાેખમોનો સામનો કરી શકાય. પેગાસસની બાબત પણ ભૂતકાળમાં ખૂબ ચર્ચામાં હતી.