દેશમાં કોરોનાના એક જ દિવસમાં ૩ લાખ કરતા વધુ નવા દર્દીઓ

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના નવા કેસ એકવાર ફરીથી રેકોર્ડબ્રેક વધવા લાગ્યા છે. દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩ લાખથી વધુ કેસ નોંધાયા છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા ૩.૧૭ લાખથી વધુ દર્દી રિપોર્ટ થયા છે. આ સાથે જ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ પણ વધીને ૯ હજારને પાર ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩,૧૭,૫૩૨ કેસ નોંધાયા છે. હાલ દેશમાં ૧૯,૨૪,૦૫૧ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૨,૨૩,૯૯૦ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે.
કોરોનાથી એક દિવસમાં ૪૯૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ ૪,૮૭,૬૯૩ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ ૧૬.૪૧% થઈ ગયો છે.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો કેસ વધીને ૯,૨૮૭ થઈ ગયા છે. ગઈ કાલની સરખામણીએ ૩.૬૩ ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં પૂરપાટ ઝડપે રસીકરણ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૫૯.૬૭ ડોઝ આપવામાં આવ્યા છે.HS