દેશમાં કોરોનાના ૧.૪૫ લાખથી વધુ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરે એવી ગતિ બતાવી છે કે ગત થોડા દિવસોમાં દેશમાં ૧૦ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સાથે-સાથે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ગત ૨૪ કલાકની વાત કરીએ તો દેશમાં કુલ ૧ લાખ ૪૫ હજાર ૩૮૪ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૭૭,૫૬૭ દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ્ય થયા તો ૭૯૪ લોકોના મોત કોરોનાના સંક્રમણના લીધે થયા છે. આ પહેલાં ૪, ૬, ૭ અને ૮ ના રોજ એકલાખથી વધુ કેસ સામે આવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા ડરામણા છે. કોરોના સંક્રમણની ગતિ બેકાબૂ છે. દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો હવે ૧ કરોડ ૩૨ લાખ ૫ હજાર ૯૨૬ પહોંચી ગયો છે. તો બીજી તરફ કોરોના મહામારીથી ૧ કરોડ ૧૯ લાખ ૯૦ હજારથી વધુ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. દેશમાં કુલ ૧૦ લાખ, ૪૬ હજાર, ૬૩૧ એક્ટિવ કેસ છે. આ સાથે જ કોરોના સંક્રમણના લીધે દેશમાં ૧,૬૮. ૪૩૬ લોકોના મોત થયા છે.
દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ ૯ એપ્રિલ સુધી ૯ કરોડ ૮૦ લાખ ૭૫ હજાર ૧૬૦ ડોઝ લોકોને લગાવવામાં આવ્યા છે. ગત દિવસોની વાત કરીએ તો આ દરમિયાન ૩૪ લાખ ૧૫ હજાર ૫૫ રસી લગાવવામાં આવી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ થોડા દિવસોથી રાજ્યમાં સંક્રમણના ૫૫,૦૦૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ દિલ્હીમાં ૨૪ કલાક દરમિયાન શુક્રવારે ૮,૫૨૧ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. ૧ એપ્રિલથી ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોને રસી લગાવવામાં આવી રહી છે. દેશમાં કોરોનાથી મૃત્યું દર ૧.૨૭ ટકા છે જ્યારે રિકવરી રેટ લગભગ ૯૧ ટકા છે.