દેશમાં કોરોનાના ૨૫ હજારથી વધુ નવા કેસ નોંધાયા

Files Photo
નવીદિલ્હી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં ૩૮૯ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૨૫,૦૭૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને ૩,૨૪,૪૯,૩૦૬ પર પહોંચી ગઈ છે. જેમાંથી હાલ ૩,૩૩,૯૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે.
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૮૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૪,૩૪,૭૫૬ પર પહોંચી ગયો છે. જાે કે રિકવર થનારાની સંખ્યા વધી રહી છે. એક દિવસમાં ૪૪,૧૫૭ લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી. અત્યાર સુધીમાં કુલ ૩,૧૬,૮૦,૬૨૬ દર્દીઓ કોરોનાને માત આપી રિકવર થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશભરમાંથી ગઈ કાલે ૧૨,૯૫,૧૬૦ કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટિંગનો આંકડો ૫૦,૭૫,૫૧,૩૯૯ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન પણ પૂરપાટ ચાલી રહ્યું છે. ગઈ કાલે દેશમાં કોરોના રસીના ૭,૯૫,૫૪૩ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૫૮,૨૫,૪૯,૫૯૫ ડોઝ આપવામાં આવ્યા છે.HS