દેશમાં કોરોનાની ગતિ ભલે ધીમી પડી પરંતુ મોંઘવારીની ગતિને બ્રેક હજુ પણ લાગી નથી
નવીદિલ્હી: દેશમાં કોરોનાની ગતિ ભલે ધીમી પડી ગઇ હોય પરંતુ મોંઘવારીની ગતિને બ્રેક હજુ પણ લાગી નથી. લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. વળી હવે સીએનજી, પીએનજી અને રાંધણ ગેસનાં ભાવમાં પણ ભડકો થતા લોકોનાં ખિસ્સા પર ભારણ વધી ગયુ છે. હવે આ મુદ્દે કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં એક અખબારનું કટિંગ પોસ્ટ કરતા સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, ‘ખાધું પણ, ખવડાવ્યું પણ, બસ જનતાને ખાવા નથી દઇ રહ્યા.’ રાહુલ ગાંધીએ આ ટ્વીટ દ્વારા દેશમાં તેલની કિંમતોમાં વધારો થયો હોવાના સમાચાર પણ શેર કર્યા છે. આ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, દેશમાં તેલની કિંમતમાં વધારાને કારણે ખાવા પીવાનું પણ મોંઘું થઈ ગયું છે.
અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં ખાદ્ય ચીજાેનો છૂટક મોંઘવારીનો દર ૫.૧૫ ટકા પર પહોંચ્યો હતો. રાહુલ ગાંધી મોંઘવારીને લઇને ટ્વીટ્સ દ્વારા કેન્દ્ર સરકાર પર હંમેશા નિશાન સાધતા રહ્યા છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો અંગે ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “તમારું વાહન ભલે પેટ્રોલ પર કે ડીઝલ પર ચાલે, મોદી સરકાર ટેક્સ વસૂલાત પર ચાલે છે!” ઉલ્લેખનીય છે કે,
છેલ્લા દોઢ વર્ષમાં દેશનાં મોટાભાગનાં રાજ્યોને બે વાર લોકડાઉનનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ હતી. એવી આશા રાખવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર લોકોને રાહત આપવા માટે મોંઘવારી નીચે લાવશે, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બની છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ઉપરાંત હવે પીએનજી અને સીએનજીનાં ભાવમાં પણ વધારો થયો છે. જેને લઇને હવે વિપક્ષ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યુ છે. ખાસ કરીને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. તેમણે આજે મોદી સરકારનાં અચ્છે દિનનાં નારા પર ટ્વીટ કરી કટાક્ષ કર્યો છે.