દેશમાં કોરોનાની સ્થિતિ અત્યંત વિકટઃ કેન્દ્ર સરકાર ચિંતિત
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂઃ સતત પાંચમાં દિવસે ૧૦૦થી વધુ દર્દીનાં મોતથી ફફડાટ
નવી દિલ્હી, ભારત દેશમાં ફરી એક વખત કોરોનાની સ્થિતિ કાબુ બહાર જવા લાગી છે જેના પગલે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને જાે આની આજ પરિસ્થિતિ ચાલુ રહી તો આગામી દિવસો ખુબ જ કપરા સાબિત થશે તેથી રસીકરણની ઝુંબેશમાં જાેડાવાની સાથે સાથે તકેદારી રાખવા પણ નાગરીકોને અનુરોધ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દરેક રાજ્યોને કોરોનાની વેક્સિનનો ભરપુર લાભ ઉઠાવા માટે જણાવ્યું છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં આજે સતત ૫૫ હજારથી વધુ કેસો નોંધાતા નાગરીકોમાં પણ ફફડાટ ફેલાયો છે અને ટેસ્ટિંગ કરાવવા માટે લોકોની લાઇનો જાેવા મળી રહી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોમાં કોરોનાનો વિસ્ફોટ થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૧૦૦થી વધુ વ્યક્તિના મોત નીપજતા સરકાર ચિંતિત બની ગઇ છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા ૫ લાખ ૪૦ હજારથી પણ વધી ગઈ છે. ભારત હાલ એક્ટિવ કેસોની સંખ્યાની દૃષ્ટિએ છઠ્ઠા નંબર પર છે. દેશમાં ગુજરાત સહિત ૬ રાજ્યો એવા છે જ્યાં ૨૪ કલાકમાં ૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૧હજારથી વધુ કેસ નોંધાયા છે. પંજાબ અને કર્ણાટકમાં પણ સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યૂ લાગુ કર્યો હોવા છતાંય સંક્રમણ પર હજુ કાબૂ મેળવી શકાયો નથી. અહીં છેલ્લા પાંચ દિવસમાં ૧૦૦થી વધુ કોરોના દર્દીઓનાં મોત થઈ રહ્યા છે.
પંજાબમાં ૫૯ અને ચંદીગઢમાં ૨૦ દર્દીઓએ એક દિવસમાં જીવ ગુમાવ્યા છે. ભારતમાં કુલ ૬ કરોડ ૧૧ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૬,૨૧૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૨૦,૯૫,૮૫૫ થઈ ગઈ છે.
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૩ લાખ ૯૩ હજાર ૨૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૭,૦૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૫,૪૦,૭૨૦ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૬૨,૧૧૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૯ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૪,૨૬,૫૦,૦૨૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૭,૮૫,૮૬૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.