દેશમાં કોરોનાનો કહેર યથાવતઃ ૯૬ હજાર નવા કેસ નોંધાયા, ૪૪૬ લોકોનાં મોત
નવીદિલ્હી: દેશમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૯૬,૯૮૨ કેસ નોંધાયા છે. જે ગઇકાલે નોંધાયેલા કેસ કરતા ઓછા છે. સોમવારે દેશમાં ઑલ ટાઇમ હાઇ એક લાખથી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૦,૧૪૩ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના મહામારીને પગલે ૪૪૬ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં હાલ કોરોના વાયરસના ૭,૮૮,૨૨૩ કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા ૧,૨૬,૮૬,૦૪૯ થઈ છે. બીજી તરફ કુલ ૧,૧૧૭,૩૨,૨૭૯ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને પગલે અત્યારસુધી કુલ ૧,૬૫,૫૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ સાજા થવાનો દર ૯૨.૫ ટકા છે, જ્યારે મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે. દેશમાં અત્યારસુધી કુલ ૮.૩૧ કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
છેલ્લા ૨૪ કલાકમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૪૭,૨૮૮ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ ૧૫૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેની સામે ૨૬,૨૫૨ લોકો સાજા થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ૫૬,૦૩૩ થઈ છે. મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢમાં ૪૪ અને પંજાબમાં ૭૨ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. રસીકરણની તેજ રફતાર વચ્ચે પણ સોમવારે ૩,૧૬૦ નવા કેસ નોંધાયા છે. નવો સ્ટ્રેઇન બૂલેટ ગતિએ વધી રહ્યો છે અને એક પછી એક શહેરોમાં દવાખાના ખાટલાઓ હાઉસફૂલ થઈ રહ્યા છે. સોમવારે રાજ્યમાં ૧૫ દર્દીઓનાં દુઃખદ નિધન થયા છે. આ બધાની વચ્ચે કુલ ૨,૦૨૮ દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે.
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૭૮૧, સુરતમાં ૭૮૮, રાજકોટમાં ૩૧૧, વડોદરામાં ૩૩૦, મહેસાણામાં ૮૮, જામનગરમાં ૧૨૪, પાટણમાં ૬૫, ભાવનગરમાં ૭૯, ગાંધીનગરમાં ૭૨, મોરબીમાં ૩૩, ભરૂચમાં ૩૨, ખેડામાં ૩૨, દાહોદમાં ૩૧, કચ્છ, નર્મદામાં ૩૦-૩૦, આણંદમાં ૨૫ કેસ નોંધાયા છે.સુરતમાં વધુ ૭૮૮ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં માં ૬૦૩, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ૧૮૫ દર્દી સાથે કુલ દર્દી સંખ્યા ૬૮,૬૫૩ પર પહોંચી છે. સોમવારે ૦૭ લોકોનાં કોરોનાથી મોત થયા હતા. આ સાથે સુરતનો મૃત્યાંક ૧,૨૦૩ પર પહોંચ્યો છે. બીજી તરફ સોમવારે ૬૭૮ દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.