દેશમાં કોરોનાનો મૃત્યુઆંક ૪ લાખની નજીક પહોંચ્યો
મુંબઈ: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ હજારની નીચે પહોંચેલો આંકડો હવે ૫૦ હજારની આસપાસ રહે છે. ૩૦ જૂનના ચોવીસ કલાકમાં ૪૮ હજારથી વધુ સંક્રમિત કેસો સામે આવ્યા છે. બીજી તરફ, મોતના આંકડાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, દેશમાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૪ લાખને સ્પર્શવા આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૮,૭૮૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૦૦૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૪,૧૧,૬૩૪ થઈ ગઈ છે.
બીજી તરફ, દેશમાં કુલ ૩૩,૫૭,૧૬,૦૧૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૨ કરોડ ૯૪ લાખ ૮૮ હજાર ૯૧૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૬૧,૫૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૫,૨૩,૨૫૭ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૯૯,૪૫૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૦ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૧,૨૦,૨૧,૪૯૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
બુધવારના ૨૪ કલાકમાં ૧૯,૨૧,૪૫૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કેસોમાં ઘટાડો યથાવત રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૯૦ નવાં કેસો નોંધાયા છે અને ૩ દર્દીઓના મોત થયા છે. આજે નવાં ૯૦ કેસ સામે ૩૦૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૩૦૧૩ પર પહોંચી છે.
આજે રાજ્યમાં રસીના કુલ ૨,૮૪,૧૨૫ ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રસીના કુલ ૨,૫૬,૭૭,૯૯૧ ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન એમ બે જ જિલ્લામાં ૧૦થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે ૧૮ જિલ્લાઓમાં પાંચથી ઓછાં કેસ નોંધાયા છે અને ૧૨ જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો નથી.