દેશમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો થઇ રહ્યો છે
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ ૧૩,૦૮૩ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૧૪,૮૦૮ દર્દી સાજા થયા છે.
આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા ૧,૦૭,૩૩,૧૩૧ થયા છે, જેમાંથી ૧,૦૪,૦૯,૧૬૦ દર્દી સાજા થયા છે. ૨૪ કલાકમાં કોરોનાથી ૧૩૭ લોકોનાં મોત થયા છે,
આ સાથે દેશમાં કોરોનાને કારણે કુલ ૧,૫૪,૧૪૭ મોત થયા છે. દેશમાં હાલ મૃત્યુની ટકાવારી ૧.૪ ટકા છે, જ્યારે સાજા થવાનો દર ૯૭ ટકા છે.
હાલ દેશમાં કોરોનાના ૧,૬૯,૮૨૪ સક્રિય કેસ છે. ૨૯મી જાન્યુઆરીના રોજ દેશભરમાં ૭,૫૬,૩૨૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ સાથે દેશમાં અત્યારસુધી કુલ ૧૯,૫૮,૩૭,૪૦૮ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.હાલ કોરોના સામે લડવા માટે દેશમાં રસીકરણ ચાલી રહ્યું છે. દેશમાં ૨૪ કલાકમાં ૫,૭૧,૯૭૪ લોકોને રસી આપવામાં આવી હતી.
આ સાથે દેશમાં કુલ ૩૫,૦૦,૦૨૭ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે હાલ રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આખા દેશમાં એક સાથે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
કેરળમાં ૬.૩ હજાર, મહારાષ્ટ્રમાં ૨.૮ હજાર અને તામિલનાડુમાં ૫.૯ નવા કેસ નોંધાયા. કેરળ અને મહારાષ્ટ્રને બાદ કરી નાખો તો આખી દેશમાં ૪,૦૪૪ નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં ૫૬, કેરળમાં ૨૨ અને પંજાબમાં ૧૧ મોત નોંધાયા. મહારાષ્ટ્રમાં કુલ મોતનો આંકડો ૫૧ હજાર થયો. આ આંકડો દેશમાં કુલ મોતના ૩૩ ટકા છે.
૧૭ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી. છ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સાજા થવાનો દર ૯૯ ટકા થયો.સક્રિય કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ૧૬માં નંબર પર પહોંચ્યું.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં નવા ૩૩૫ કેસ નોંધાયા હતા, જેની સામે ૪૬૩ દર્દી સાજા થયા હતા.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૬.૯૪ ટકા થયો છે. રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં શુક્રવારે ૫૬,૯૩૫ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આી હતી.
આ સાથે અત્યારસુધી કુલ ૨,૧૨,૭૩૭ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાને કારણે એક મોત નોંધાયું છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યાંક ૪,૮૮૫ થયો છે. રાજ્યમાં હાલ કોરોનાના ૩,૫૮૯ સક્રિય કેસ છે.HS