દેશમાં જ્યારે ખુશીનો માહોલ હોય છે, ત્યારે પણ રાહુલ ગાંધી સવાલો કરે છે ! સંબિત પાત્રા
નવીદિલ્હી: કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ જાહેર કરેલા શ્વેત પત્રને લઈને ભારતીય જનતા પાર્ટીનો બચાવ કરવા માટે રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા બહાર આવ્યા હતા. રાહુલ ગાંધીએ શ્વેતપત્રમાં મોદી સરકારને ચેતવણી આપી ત્રીજી લહેરની તૈયારી કરી રાખવા જણાવ્યુ છે. ત્યારે હવે આ બાબતને લઈને પણ રાજકારણ રમવાનું ચાલુ થઈ ગયું છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતું કે, કોરોનાને લઈને રાહુલ ગાંધી દરેક મોર્ચે સરકારને ઘેરી રહી છે. કોરોનાની લડાઈમાં જ્યારે પણ નિર્ણાયક મોડ આવે છે ત્યારે ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી રાજકારણ શરૂ કરે છે. ક્યાંકને ક્યાંક કોરોનાની આ લડાઈને ડિરેલ કરવાનો પરિશ્રમ કરી રહ્યા છે.
પાત્રાએ કહ્યુ હતું કે, કાલે દેશમાં ઐતિહાસિક રસીકરણ થયું. કાલે દેશમાં રેકોર્ડ ૮૬ લાખથી વધારે રસી લગાવાઈ. દેશમાં જ્યારે પણ કંઈક સારૂ થવાનું હોય, ત્યારે કોંગ્રેસને વાંકુ પડે છે. દેશમાં જ્યારે ખુશી હોય છે, ત્યારે રાહુલ ગાંધી સવાલો કરે છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યુ હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની નક્કી છે. આવા સમયે સરકારે અત્યારથી જ તૈયારી કરી રાખવી જાેઈએ. રાહુલ ગાંધીએ કોરોનાને લઈને એક શ્વેત પત્ર પણ જાહેર કર્યુ છે. જેમાં સરકારને પોતાની ભૂલ સુધારવાની માગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, શ્વેત પત્રનો ઉદ્દેશ્ય સરકારને બદનામ નહીં પણ રસ્તો બતાવવાનો છે.
વીડિયો કોન્ફરન્સિગ દ્વારા રાહુલ ગાંધીએ સંબોધન કરતા જણાવ્યુ હતું કે, બીજી લહેર ને કાબૂ કરવામાં સરકાર નિષ્ફળ રહી. કારણે કે સરકારે તેની કોઈ તૈયારી કરી નહોતી. સરકારની લાપરવાહીના કારણે લાખો લોકોના મોત થયા. કરોડો લોકો કોરોનાથી પ્રભાવિત થયાં. હવે ત્રીજી અને ચોથી લહેર આવવાની સંભાવના છે. આખો દેશ જાણે છે કે, ત્રીજી લહેર આવવાની છે. આવા સમયે સરકારે પહેલાથી તૈયારી કરી રાખવી જાેઈએ. રાહુલે કોરોનાકાળમાં સરકારે ગરીબો પર ખાસ ધ્યાન આપવાની પણ માગ કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતાં સંક્રમણને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકાર પર સતત આકરા પ્રહારો કરતા આવ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પણ ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લખ્યુ હતું કે, આ યોગ દિવસ છે, યોગ દિવસની આડમાં છૂપાવાનો દિવસ નથી.