દેશમાં દર વર્ષે ૧૦ મી જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે
Ø વડોદરામાં “ઉભરતી એક્વાકલ્ચર સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસ” ની રાષ્ટ્રીય થીમ સાથે મત્સ્ય ખેડૂત દિનની ઉજવણી કરવામાં આવશે
Ø સેન્ટ્રલ ઈનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(CIFRI) નું વડોદરામાં રિસર્ચ સ્ટેશન ૧૯૮૮ થી કાર્યરત છે
Ø દરિયાઈ માછલી ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે
Ø ગુજરાતમાં ઉપલબ્ધ જળ સંસાધનો આધારિત મત્સ્ય ઉત્પાદનની વિપુલ સંભાવનાઓ
Ø આધુનિક એક્વાકલ્ચર પદ્ધતિઓ મત્સ્ય ખેડૂતોની આવક વધારવાનો માર્ગ મોકળો કરશે
વડોદરા, ભારતમાં સૌ પ્રથમ ડો.હીરાલાલ ચૌધરી અને ડો. અલીકુન્હી દ્વારા તા.૧૦ જુલાઈ, ૧૯૫૭ ના રોજ ઓરિસ્સાના અંગુલ ખાતે માછલીના સફળ જતન સંવર્ધનની યાદમાં દેશમાં દર વર્ષે ૧૦ મી જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. મત્સ્ય ઉછેર વૃદ્ધિની પરંપરાગત પદ્ધતિઓમાં આધુનિક બદલાવ આવતા એક્વાકલ્ચર ઉદ્યોગ વિકસ્યો છે.
ICAR- સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CIFRI) ની સ્થાપના પશ્ચિમ બંગાળના બેરકપુર ખાતે વર્ષ ૧૯૪૭ માં કરવામાં આવી હતી.વડોદરામાં તેનું રિસર્ચ સ્ટેશન વર્ષ ૧૯૮૮ થી કાર્યરત છે. આ સ્ટેશન સરકારી વિભાગો અને ખાનગી એજન્સીઓને કન્સલ્ટન્સી સેવાઓ તેમજ આંતરદેશીય સંશોધનમાં કાર્યરત છે. નદીઓ, નદીમુખો અને જળાશયોમાં મત્સ્ય સંરક્ષણ, ઉત્પાદન વૃદ્ધિ માટે તેમજ માનવ સંસાધન વિકાસ પ્રવૃત્તિઓ જેમ કે મત્સ્ય ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડે છે.
ગુજરાતમાં આંતરદેશીય મત્સ્યોદ્યોગના મુખ્ય સંસાધનો માં ૩.૪૮ લાખ હેક્ટર જળાશયો, ૩૮૬૫ કિ.મી નદીઓ અને નહેરો, ૦.૨૨ લાખ હેક્ટર તળાવ અને ટાંકીઓ, ૨૧૨.૩૦ કિ.મી નદી મુખ વિસ્તાર (એશ્ચુરાઈન ઝોન) અને ૩.૭૬ લાખ હેક્ટર ખારા પાણી વિસ્તારનો સમાવેશ થાય છે. દરિયાઈ માછલી ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે જ્યારે દેશમાં આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનમાં ૧૫ મા ક્રમે છે. ગુજરાતમાં ઉપલબ્ધ જળ સંસાધનો આધારિત મત્સ્ય ઉત્પાદનની વિપુલ સંભાવનાઓ છે
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), સેન્ટ્રલ ઈનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, વડોદરા દ્વારા તા.૧૦ મી જુલાઈ ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ની રાષ્ટ્રીય થીમ “ઉભરતી એક્વાકલ્ચર સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસ” સાથે ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના સહયોગથી રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
જે મત્સ્યોદ્યોગ અને એક્વા-ઉદ્યોગને સાથે લઈ મત્સ્ય ખેડૂતોને અદ્યતન સંશોધન પધ્ધતિઓથી વાકેફ કરવા માં આવશે. સરકારની વિવિધ યોજનાઓ અને એક્વા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે, ત્યારે આધુનિક એક્વાકલ્ચર પદ્ધતિઓ મત્સ્ય ખેડૂતોની આવક વધારવાનો માર્ગ મોકળો કરશે.
રાજ્યમાં આંતરદેશીય મત્સ્યોદ્યોગ અને મત્સ્ય ઉછેર સાથે સંકળાયેલા ૨.૩૧ લાખ માછીમારો પૈકી ૭૭,૯૪૩ માછીમારો (૩૩.૭૪ ટકા) આંતરદેશીય મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સંકળાયેલા છે. તાપી જિલ્લામાં સૌથી વધુ આંતરદેશીય સક્રિય માછીમારો ૧૪,૫૪૨ છે, ત્યારબાદ ભરૂચ જિલ્લો ૧૨૩૫૯ માછીમારો સાથે બીજા ક્રમે છે. આ બંને જિલ્લામાં તાપી અને નર્મદા મુખ્ય નદીઓ છે.
એક અંદાજ મુજબ ગુજરાત રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન આશરે ૮.૩૯ લાખ મેટ્રિક ટન છે જે દેશના કુલ મત્સ્ય ઉત્પાદનના ૬.૬૬ ટકા છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાં આંતરદેશીય મત્સ્યોદ્યોગનો ફાળો ૧.૩૮ લાખ મેટ્રિક ટન છે જે રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનના ૧૬.૪૫ ટકા છે. આંતરદેશીય માછલી ઉત્પાદનમાં મુખ્ય ફાળો આપતી પ્રજાતિઓમાં જીંગા (૪૧.૧૧ ટકા), રોહુ (૧૦.૫૩ ટકા), કટલા (૧૦.૧૬ ટકા) અને મ્રીગલ (૯.૦૬ ટકા) નો સમાવેશ થાય છે.
રાજ્યમાં કુલ જળ મત્સ્ય ઉત્પાદન ૬૪૧૫૫ મેટ્રિક ટન છે, જેમાં ખારા પાણીનું મત્સ્ય ઉત્પાદન ૮૫.૨૫ ટકા અને તાજા પાણીનું ઉત્પાદન ૧૪.૭૫ ટકા છે. રાજ્યમાં ખારા પાણીના કુલ ૩.૭૬ લાખ હેક્ટર વિસ્તારમાંથી ૨૩.૭૬ ટકા ખારા પાણી વિસ્તાર મત્સ્ય ઉછેર માટે ઉપલબ્ધ છે. જો કે કુલ ખારા પાણીનો માત્ર ૧.૯૩ ટકા વિસ્તાર મત્સ્ય ઉછેર માટે ફાળવવામાં આવ્યો છે.
ખારા પાણીના મત્સ્ય ઉછેર માટે ફાળવવામાં આવેલ વિસ્તાર નવસારી જિલ્લામાં સૌથી વધુ ૩૨૧૪.૩૫ હેક્ટર ત્યારબાદ ભરૂચ જિલ્લામાં ૧૪૯૬ હેક્ટર અને સુરત જિલ્લો ૧૧૩૧.૫૦ હેક્ટર છે. રાજ્યનું કુલ ખારા પાણીનું મત્સય ઉત્પાદન ૫૪૬૮૯ મેટ્રિક ટન છે, જે રાજ્યના કુલ આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનના ૩૯.૭૨ છે. ખારા પાણીમાં મત્સ્ય ઉછેર ઉત્પાદનમાં સુરત જિલ્લાનો ૩૬.૪૫ ટકા ત્યારબાદ નવસારી ૨૯.૪૭ ટકા વલસાડ ૧૬.૪૬ ટકા અને ભરૂચ જિલ્લાનો ૮.૪૦ ટકા ફાળો રહ્યો છે.
મીઠા પાણીમાં મત્સ્ય ઉછેરનું ઉત્પાદન મોટે ભાગે ગામ તળાવોમાં થાય છે જેનો વિસ્તાર ૦.૨૨ લાખ હેક્ટર છે. મીઠા પાણીનું મત્સ્ય ઉત્પાદન ૯૪૬૬ મેટ્રિક ટન છે, જે રાજ્યના કુલ આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનના ૬.૮૮ ટકા છે. મીઠા પાણીમાં મત્સ્ય ઉત્પાદનમાં આણંદ જિલ્લાનો સૌથી વધુ ૩૮.૭૮ ટકા ત્યારબાદ ખેડા ૨૧.૧૮ ટકા અને નવસારી જિલ્લાનો ૧૦.૭૦ ટકા ફાળો છે.