દેશમાં પાકનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાનો અંદાજ

બેંગલુરુ, કોરોના વાયરસના કહેર વચ્ચે એક સારા સમાચાર છે. ભારત માટે પ્રાણદાયી કહેવાતું સાઉથ-વેસ્ટ મોન્સૂન પ્રથમ ૪૫ દિવસમાં ખૂબ જ ફળદાયી રહ્યું છે. આ જ કારણે દેશમાં પાકનું મલલખ ઉત્પાદન અને ઉનાળા દરમિયાન પાણીની તંગી નહીં થાય તેવી આશા જન્મી છે. ભારતીય હવામાન વિભાગના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી ચાર રાજ્યને બાદ કરતા અન્ય તમામ ભાગમાં સામાન્યથી ૧૮% વધારે વરસાદ પડ્યો છે.
અત્યાર સુધી કેરળ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં ઓછો વરસાદ પડ્યો છે. કર્ણાટકની વાત કરવામાં આવે તો ચાર પર્વતીય જિલ્લાને બાદ કરતા રાજ્યના અન્ય ભાગમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી ૮૮% વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે. કોરોનાને કારણે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી કિંમતે મજૂરો ઉપલબ્ધ હોવાથી ખેતીમાં ખૂબ મદદ મળશે. આ જ કારણે દેશભરમાં ખેતીલાયક વિસ્તાર વધે તેવી પણ શક્યતા છે. ખેતી નિષ્ણાતોને જણાવ્યા પ્રમાણે આ વખતે સમયસર વરસાદ, ટેકાના ભાવમાં વધારો, કોવિડ ૧૯ને કારણે લાખોની સંખ્યામાં મજૂરો વતન પરત ફર્યા હોવાથી દેશમાં લોકો ફરીથી ખેતી તરફ વળશે તેવો માહોલ જોવામાં આવી રહ્યો છે.
આ વખતે સારા ચોમાસાને કારણે ચોખાનું ઉત્પાદન ૨૦ લાખ હેક્ટર્સ વધવાની શક્યતા છે. જેના કારણે આગામી દિવસોમાં ભારત ચોખાની નિકાસ કરતો મોટો દેશ બનશે. ફર્ટિલાઇઝરની વાત કરવામાં આવે તો આ વર્ષે દેશમાં ૧૧૧.૬૧ લાખ ટન માંગ જોવામાં આવી છે, જ્યારે ૨૦૧૯-૨૦ દરમિયાન આ સમયે ખાતરની માંગ ૮૨.૮૧ લાખ ટન રહી હતી. ચોમાસાને કારણે આ વખતે પેડીના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ ઉપરાંત ૩૬.૮૨ લાખ હેક્ટર્સ જમીન પર કઠોળનું વાવેતર થયું છે, જે ગત વર્ષે ૯.૪૬ લાખ હેક્ટર્સ હતું. બાજરી/જુવારનું વાવેતર આ વર્ષે ૭૦.૬૯ લાખ હેક્ટર્સમાં થયું છે, જે ગત વર્ષે ૩૫.૨૦ લાખ હેકક્ટર્સ હતું. તેલિબિયાનું વાવેતર ૧૦૯.૨૦ લાખ હેક્ટર્સ જમીન પર થયું છે, જે ગત વર્ષે ૫૦.૬૨ લાખ હેક્ટર્સ હતું. આ વર્ષે કપાસનું વાવેતર ૯૧.૬૭ લાખ હેક્ટર્સ જમીન પર થયું છે, જે ગત વર્ષે ૪૫.૮૫ લાખ હેક્ટર્સ હતું. આ વર્ષે ૫૦.૬૨ લાખ હેક્ટર્સમાં શેરડીનું વાવેતર થયું છે, જે ગત વર્ષે ૪૯.૮૬ લાખ હેક્ટર્સ હતું. આ વર્ષે સોયાબીનના વાવેતરમાં ખૂબ વધારો જોવા મળ્યો છે.