દેશમાં ફક્ત ચાર જ સરકારી બેન્કો રાખવા માટેની તૈયારી
કેન્દ્ર સરકાર દ્વારા એસબીઆઈ, પીએનબી, બીઓબી અને કેનેરા બેન્કમાં બીજી બેન્કોને મર્જ કરવામાં આવશે
નવી દિલ્હી, ભારતમાં બેન્કિંગ સેક્ટરમાં ટૂંક સમયમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. નીતિ આયોગે આ માટેની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી દીધી છે.આયોગે કેન્દ્ર સરકારને દેશમાં માત્ર ચાર જ સરકારી બેન્ક રાખવા માટે સલાહ આપી છે.આ ચાર બેન્કમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્ક સામેલ છે. આ સિવાય બીજી ત્રણ નાની સરકારી બેન્કો પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેન્કનું ખાનગીકરણ કરવાનું સૂચન કર્યું છે. અન્ય સરકારી બેન્કો બેન્ક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક અને ઈન્ડિયન બેન્કનું ચાર સરકારી બેન્કોમાં વિલિનીકરણ કરાશે અથવા તો તેમાંથી સરકાર પોતાની ભાગીદારી ઘટાડીને ૨૬ ટકા સુધી જ રાખશે.
ખાનગીકરણ માટે કેટલાક સમય પહેલા કેન્દ્ર સરકારે સ્ટ્રેટેજિક અને નોન સ્ટ્રેટેજિક સેક્ટર નક્કી કર્યા હતા.જે પ્રમાણે બેન્કિંગ સેક્ટર સ્ટ્રેટેજિક સેક્ટરમાં આવે છે.જેમાં માત્ર ચાર સરકારી સંસ્થાઓને મંજૂરી આપી શકાય તેમ છે. આ સંજોગોમાં સરકાર ચાર જ બેન્ક રાખશે. આ પ્રસ્તાવને બહુ જલદી કેબિનેટ સમક્ષ મુકવામાં આવશે. સરકારી સૂત્રોનું કહેવું છે કે, બેન્કોને મોટા પાયે મૂડીની જરૂર પડવાની છે. આ સંજોગોમાં જે સરકારી બેન્કોની આર્થિક સ્થિતિ નબળી છે તેના ખાનગીકરણથી સરકારને રાહત મળશે. કારણકે, આ બેન્કોમાં સરકારે દર વર્ષે મૂડીરોકાણ કરવું પડશે.૨૦૧૫ થી લઈને ૨૦૨૦ સુધીમાં સરકારે ખરાબ લોનના સંકટથી ઘેરાયેલી બેન્કોમાં ૩.૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. એ પછી પણ બેન્કનુ માર્કેટ કેપિટલાઈઝેશનનું સંકટ યથાવત છે. કોરોનાના કારણે આ સંકટ વધારે ઘેરું બન્યું છે.SSS