દેશમાં બેકારીનો વિકાસ, બેકારી દર ૫.૯૮ ટકાથી વધી ૭.૧૪ટકા

નવીદિલ્હી: દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર વધ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના રિપોર્ટમાં આ માહિતી મળી છે. સીએમઆઈઈના મતે, ૨૫ જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં દેશના ગ્રામીણ વિસ્તારમાં બેકારી દર વધીને ૬.૭૫ ટકા થઈ ગયો હતો.
તેના એક સપ્તાહ પહેલા ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર ૫.૧ ટકા હતો. એવી જ રીતે, શહેરી વિસ્તારોમાં પણ બેકારી દર વધ્યો છે, પરંતુ તે ગ્રામીણ વિસ્તારોની તુલનામાં તેનો વૃદ્ધિદર ઓછો છે. આ ગાળામાં શહેરોમાં બેકારી દર ૮.૦૧ ટકા રહ્યો, જે ૨૫ જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના એક સપ્તાહ પહેલા ૭.૯૪ ટકા હતો.
સીએમઆઈઈના આંકડા પ્રમાણે, ૨૫ જુલાઈએ પૂરા થયેલા સપ્તાહે દેશનો કુલ સરેરાશ બેકારી દર ૭.૧૪ ટકા હતો. તેના એક સપ્તાહ પહેલા આ દર ૫.૯૮ ટકા હતો. શહેરી વિસ્તારોમાં બેકારી દર જુલાઈની શરૂઆતથી જ ૯ ટકાથી ઓછો છે.
આ દરમિયાન દેશભરમાં આ આંકડો ૮ ટકાથી ઓછો રહ્યો છે. કોરોનાની બીજી લહેરની રોજગારી પર ખરાબ અસર પડી છે. વિવિધ રાજ્યોમાં લૉકડાઉનના કારણે આર્થિક ગતિવિધિ ઠપ થઈ ગઈ હતી. તેની સૌથી વધુ અસર અસંગઠિત ક્ષેત્રો પર પડી છે.