દેશમાં ભીષણ ગરમી – ચુરુ ખાતે તાપમાન ૫૦.૩ ડિગ્રી
ભીષણ ગરમી તેમજ લૂના કારણે ખુબ હાલત કફોડી બની જનજીવન પર અસર ઃ સાવચેતી રાખવાની લોકોને સલાહ
નવી દિલ્હી, રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે જેના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. પ્રિ મોનસુનમાં વિલંબની વચ્ચે દિલ્હીમાં આજે રેકોર્ડ ગરમી નોંધાઈ હતી.
દિલ્હીમાં પારો ૪૮ સુધી પહોંચી ગયો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં હજુ સુધીના ઇતિહાસમાં સૌથી ગરમ દિવસ રહ્યો હતો. દિલ્હીના પાલમ વિસ્તારમાં તાપમાન ૪૮ ડિગ્રી નોંધાયું હતું. પ્રિ-મોનસુનમાં વિલંબ વચ્ચે રેકોર્ડ ગરમી નોંધાઈ છે. આજે સવારમાં નવ વાગ્યાની આસપાસ જ હાલત બપોરના ૧૨ વાગ્યા જેવી બની ગઈ હતી.
દિલ્હીના પાલનમાં અગાઉ ૯મી જૂન ૨૦૧૪ના દિવસે પારો ૪૭.૮ સુધી પહોંચ્યો હતો. દિલ્હી ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ પારો ખુબ ઉંચે પહોંચી ગયો છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દિલ્હીમાં સોમવારે ૪૮ ડિગ્રી પર પારો પહોંચ્યો હતો પરંતુ રાજસ્થાનના ચુરુ શહેરમાં પારો ૫૦ સુધી નોંધાઈ રહ્યો છે. ચુરુમાં સૌથી વધારે ગરમી દેશભરમાં નોંધાઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસથી અહીં પારો ૫૦થી ઉપર પહોંચી ગયો છે. મોટાભાગના લોકોએ ગરમીથી બચવા માટે ગરમી મુજબ જ કામના કલાકો પણ નક્કી કરી લીધા છે. આજે પણ ચુરુમાં પારો ૫૦.૩ ડિગ્રી રહ્યો હતો. ભીષણ ગરમી અને લૂના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. દિલ્હીમાં પ્રિ મોનસુનની અસર દેખાઈ રહી નથી. હળવા વરસાદથી પણ રાહત મળી શકે છે પરંતુ ૧૦મી જૂન સુધી દિલ્હીમાં હળવો વરસાદ પણ થયો નથી. હવામાન વિભાગના કહેવા મુજબ આ મહિનામાં હજુ સુધી ૭.૯ મીમી વરસાદ થઇ જવાની જરૂર હતી પરંતુ વરસાદ નોંધાયો નથી. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં પણ આવી જ હાલત છે. દેશમાં ૪૦થી વધુના મોત થઇ ચુક્યા છે.