દેશમાં રસીકરણ અભિયાન નામ પુરતુ ચાલી રહ્યું છે : રાહુલ ગાંધી
નવીદિલ્હી: કોરોના મહામારીને પહોંચી વળવા દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ ઘણા રાજ્યોમાં રસીનાં અભાવને કારણે રસીકરણ અભિયાન ધીમું થઇ ગયુ છે. કોંગ્રેસ રસીકરણ અભિયાન સંદર્ભે કેન્દ્ર સરકાર પર સતત શાંબ્દિક પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ બુધવારે પીએમ મોદીનું નામ લીધા વિના ટ્વીટ કરીને કહ્યું કે જુમલા છે, વેક્સિન નથી. ફરી એકવાર પૂછ્યું કે વેક્સિન ક્યાં છે. આ સિવાય રાહુલ ગાંધીએ હિન્દી વેબસાઇટનાં સમાચારોનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
શેર કરેલા સ્ક્રીનશોટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી સહિત અન્ય ઘણા રાજ્યોમાં વેક્સિનનાં અભાવને કારણે રસીકરણને ખૂબ અસર થઈ છે. સાથે તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં વેક્સિન ન હોવાના કારણે ઘણા રસીકરણ કેન્દ્રો બંધ છે. વળી, મધ્ય પ્રદેશમાં વેક્સિનનો અભાવ હોવાના કારણે, છેલ્લા એક દિવસમાં માત્ર ૩૮ હજાર ડોઝ આપવામાં આવ્યા હતા.
કોંગ્રેસ કેન્દ્ર સરકારની નીતિઓ સામે સતત હુમલો કરી રહી છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર દેશને નબળો કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારે વિદેશી અને સંરક્ષણ નીતિને રાજકીય રમત બનાવીને દેશને નબળો કરી દીધો છે.
તેમણે કહ્યું કે દેશ આટલો અસુરક્ષિત ક્યારે પણ નહતો, જેટલો આજે થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી વડા પ્રધાન મોદી અને કેન્દ્ર સરકારની કોરોના વેક્સિનને લઈને ટીકા કરી રહ્યા છે. રવિવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મંત્રીઓની સંખ્યા વધી છે, વેક્સિનની નહીં. આ સાથે તેમણે પૂછ્યું કે રસી ક્યાં છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ આ આંકડા વિશે એક ફોટો પણ ટ્વીટ કર્યો હતો, જેમાં રસીકરણ વિશે જણાવાયું હતું.