Western Times News

Gujarati News

દેશમાં રૂફટોપ સોલાર સ્થાપનમાં ગુજરાત પ્રથમ ક્રમે

File

નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્ય મંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

નવી દિલ્હી,  રૂફટોપ સોલાર પ્રોજેક્ટ સ્થાપનની બાબતે દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. જુલાઈ 23, 2019ની સ્થિતિએ ગુજરાતની કુલ રૂફટોપ સોલારઇન્સ્ટોલેશન કેપેસિટી 261.97 મેગા વોટ (MW)ની હતી. ભારતમાં કુલ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન 1,700.54 મેગાવોટ જેટલું છે. ગુજરાત પછી અનુક્રમે મહારાષ્ટ્ર198.52 MW સાથે બીજા ક્રમાંકે અને તમિલનાડુ 151.62 MW સાથે ત્રીજા ક્રમાંકે આવે છે. કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય રાજ્યમંત્રી શ્રી આર. કે. સિંહે રાજ્યસભામાં 23 જુલાઈ, 2019ના રોજ ઉપરોકત માહિતી રાજયસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આપી હતી.

મંત્રીશ્રીના જવાબ મુજબ, ભારત સરકારે ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ વર્ષ 2016-17 માટે કુલ રૂ. 678.01 કરોડ, વર્ષ 2017-18 માટે રૂ. 169.73 કરોડ અને વર્ષ 2018-19 માટે રૂ.446.77 કરોડની નાણાકીય સહાય/પ્રોત્સાહન પ્રદાન કર્યા છે. ભારત સરકારે વર્ષ 2022 સુધીમાં 40,000 મેગાવોટના રૂફટોપ સોલાર (આરટીએસ) પ્રોજેક્ટ્સની સ્થાપનાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાં ઘરની છત પર આર.ટી.એસ.( RTS)ની સ્થાપનાનો સમાવેશ થાય છે.

શ્રી પરિમલ નથવાણી આર.ટી.એસ.(RTS) દ્વારા પેદા થતા વીજળીના જથ્થાને પ્રાપ્ત કરવા માટે ફાળવવામાં આવેલા ભંડોળ અને ઘરની છત પર સોલર પેનલોસ્થાપિત કરીને વિજ ઉત્પાદન માટે સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લક્ષ્ય વિશે જાણવા માંગતા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં થયેલા 261.97 MWના ઈન્સ્ટોલેશનમાંથી 183.51 MW સબસિડીયુક્ત ઇન્સ્ટોલેશન્સ છે અને 78.45 MW સબસિડીરહિત ઇન્સ્ટોલેશન્સ છે. મંત્રીશ્રીએ જવાબમાં એવું પણ જણાવ્યું કે ઘરની છત પર સ્થાપિત સોલાર પેનલ દ્વારા પેદા થતી ઉર્જાના જથ્થાના મૂલ્યાંકન માટે કોઈ ઔપચારિક અભ્યાસ કરવામાં આવ્યો નથી, પણ સરેરાશ એવો અંદાજ છે કે દર વર્ષે સોલાર રૂફટોપ પ્લાન્ટ્સમાંથી પ્રત્યેક મેગાવોટ(MW) દીઠ 1.5 મિલિયન યુનિટ પેદા થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.