દેશમાં લોકોને ન્યાય અપાવવામાં મહારાષ્ટ્ર નંબરવન
નવી દિલ્હી, ટાટા ટ્રસ્ટે પ્રગટ કરેલા ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019 અનુસાર દેશમાં મહારાષ્ટ્ર કાનૂન વ્યવસ્થા લાગુ કરવામાં અને લોકોને ન્યાય અપાવવામાં સૌથી ટોપ નંબર પર છે, જ્યારે છેલ્લા ક્રમે ઉત્તરપ્રદેશ છે.આ રિપોર્ટ મુજબ, જો કાનૂન વ્યવસ્થાની પરિસ્થિતિ જોવામાં આવે તો લોકોને ન્યાય અપાવવાના મામલામાં મહારાષ્ટ્ર સૌથી ટોપ નંબર પર છે. બીજા નંબર પર સિક્કિમ અને હિમાચલ પ્રદેશ છે. ન્યાય અપાવવાની બાબતમાં મોટા રાજ્યોની કેટેગરીમાં મહારાષ્ટ્ર પછી અનુક્રમે કેરળ, તમિલનાડુ, પંજાબ અને હરિયાણાનો ક્રમ આવે છે.
ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019માં રાજ્યોને રેન્કિંગ આપવા માટે ન્યાયના ચાર પ્રમુખ સ્તંભોના આંકડાવાર અધ્યયન કરવામાં આવ્યું છે. આ ચાર સ્તંભોમાં પોલીસ, ન્યાય વ્યવસ્થા, જેલ અને કાનૂની સહાયતા સામેલ છે.
આ રિપોર્ટની યાદી જોઈએ તો ન્યાય વ્યવસ્થામાં 18 પૈકી સૌથી 10 સારા રાજ્યો છે, જેમાં મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા, કર્ણાટક, ઓરિસ્સા, ગુજરાત, મધ્યપ્રદેશ અને છતીસગઢ સામેલ છે. જ્યારે નાના રાજ્યો(1 કરોડથી ઓછી વસ્તી)ની કેટેગરીમાં શ્રેષ્ઠ ન્યાય વ્યવસ્થાના મામલામાં ગોવા નંબર વન પર છે, જ્યારે બીજા ક્રમે ગોવા અને ત્રીજા ક્રમે હિમાચલપ્રદેશ છે.
ટાટા ટ્રસ્ટે ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019 તૈયાર કરવામાં જે માપદંડો નિર્ધારિત કર્યા છે, જેમાં બજેટ, માનવ સંસાધન, કર્મચારીઓનો કાર્યભાર, વિવિધતા, પ્રાથમિક સેવા-સુવિધા અને પ્રવૃતિઓ સામેલ છે અને આ તમામનું ચોક્કસ પદ્ધતિથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019 જાહેર કરવાના અવસરે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એમ.બી.લોકુરે કહ્યું કે, આ રિપોર્ટ આપણી ન્યાય પ્રણાલી સંબંધિત મુદ્દાઓને મુખ્યધારામાં લાવવા માટે એક શ્રેષ્ઠ પ્રયાસ છે, જે વાસ્તવમાં સમાજ, શાસન અને અર્થવ્યવસ્થાના દરેક દૃષ્ટિકોણને પ્રભાવિત કરે છે. જસ્ટિસ લોકુરે એમ પણ કહ્યું કે, ન્યાયપાલિકા અને સરકાર આ રિપોર્ટના મહત્વપૂર્ણ નિષ્કર્ષો પર ધ્યાન આપશે.