દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનું યોગદાન છે : રૂપાણી

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડેરીના નવા પ્લાન્ટ સ્થાપવા માટે બનાસ ડેરીને અભિનંદન આપતા જણાવ્યું કે, દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનો મહ¥વનું યોગદાન છે. તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતાનું વિશેષ મહત્વ છે. સંસ્કૃતિને વરેલી આ સરકાર પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સક્રિય રીતે સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લાને સુખી અને સમૃદ્ધ બનાવવા સ્વ. ગલબાકાકાએ રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીની સ્થાપના કરી મોટી લોક સેવાનું કામ કર્યું છે.
તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં ૩૦ લાખ લીટરની ક્ષમતાવાળા નવા પ્લાન્ટની સ્થાપના માટે બનાસ ડેરીના નિયામક મંડળને અભિનંદન પાઠવુ છું. આ પ્લાન્ટથી આ વિસ્તારની ઝડપથી કાયાપલટ થશે. દૂધની સાથે સાથે બટાટા અને દાડમનું પ્રોસેસીંગ પણ અહીંથી થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા પશુપાલન અને કૃષિ ઉદ્યોગ ખૂબ અગત્યનો ફાળો આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય કરાર આરસીઈપીના કાયદા પર સહી નહી કરી પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે જે બદલ પશુપાલકો વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સરકાર પશુપાલકોને પોતાના ગણી તમામ સહાય અને મદદ કરશે.