દેશમાં સતત બીજા દિવસે એક લાખથી ઓછા કેસ નોંધાયા
નવીદિલ્હી: દેશમાં વેક્સીનેશન અભિયાન વેગ પકડતું જઈ રહ્યું છે, તો તેની સામે કોરોના વાયરસ સંક્રમણની અસર ધીમી પડી રહી છે. મંગળવારે સતત બીજા દિવસે કોરોનાના નવા સંક્રમિતોનો આંકડો એક લાખથી ઓછો નોંધાયો છે. આ ઉપરાંત દેશનો કોવિડ રિકવરી રેટ સુધરીને ૯૪.૫૫ ટકા થઈ ગયો છે. બીજી રાહતની બાબત એ છે કે ભારતમાં હવે એક્ટિવ કેસ ઘટીને માત્ર ૧૨.૩૧ લાખ રહી ગયા છે.
બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૯૨,૫૯૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૨૧૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૦,૮૯,૦૬૯ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૩,૯૦,૫૮,૩૬૦ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૭૫ લાખ ૪ હજાર ૧૨૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧,૬૨,૬૬૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૨,૩૧,૪૧૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૫૩,૫૨૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૮ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૭,૦૧,૯૩,૫૬૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના ૨૪ કલાકમાં ૧૯,૮૫,૯૬૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.