દેશમાં સૌપ્રથમ ખેડુતો માટે ઓનલાઇન વર્કશોપનું આયોજન
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દાડમની ખેતી પધ્ધતિ પર રાજયકક્ષાનો ત્રિ-દિવસીય ઓનલાઈન ખેડૂત વર્કશોપ
ગાંધીનગર, હાલમાં કોરોનાને લીધે બનાસકાંઠામાં સંપૂર્ણ લોકડાઉનની સ્થિતી છે. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા ધ્વારા સોમવારથી ‘દાડમની ખેતી પધ્ધતિ પર ત્રિદિવસીય’ ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ૨૨ જિલ્લાના ૨૨૮ જેટલાં ખેડૂતો, ગ્રામીણ યુવાનો અને મહિલા ખેડૂતોએ તેમજ રાજ્યના ૨૧ અધિકારીઓ ઓનલાઈન ગુગલ મીટ એપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો છે.
અત્યારના આધુનિક ટેકનોલોજીના યુગમાં ખેડૂતોને તાલીમ લેવા માટે દેશમાં સૌપ્રથમ વાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા દ્વારા ત્રિદિવસીય ઓનલાઈન વર્કશોપની પહેલ કરવામાં આવી છે. આ વર્કશોપ કાર્યક્રમની શરૂઆતના પ્રથમ દિવસે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ વી. ટી. પટેલે કાર્યક્રમ થકી ઓનલાઈન ભાગ લઈ રહેલ ખેડૂતમિત્રો તથા મુખ્ય મહેમાન, વકતાઓનું હાર્દિક સ્વાગત કરી દાડમના વધતા વિસ્તાર વિશે જણાવેલ.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર. કે. પટેલે કાર્યક્રમની શરૂઆત કરી અને ખેડૂતોને દાડમમાં રહેલા પોષક તત્વો, આરોગ્ય માટે કેવી રીતે લાભદાયી છે તેમજ દાડમની ખેતી પધ્ધતિ દ્વારા આવનારા ભવિષ્યમાં મુલ્યવર્ધન તકો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા. ઓનલાઈન કાર્યક્રમના મુખ્ય મહેમાન ર્ડા. લખનસીંગ, ડાયરેકટર, અટારી કચેરી, પુના (મહારાષ્ટ્ર) ધ્વારા ખેડૂતોને દેશના જુદા જુદા રાજ્યોમાં થતી દાડમની ખેતી વિશે માહિતી આપી તેમજ વ્યવસાય તરીકે દાડમની ખેતી કરવાથી તેમજ મૂલ્યવર્ધન કરી વધુ આવક મેળવી શકે છે.
આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના વૈજ્ઞાનિક અને વર્કશોપના આયોજક ર્ડા. યોગેશ પવારે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે ભારતમાં સૌપ્રથમ વાર ત્રિદિવસીય ઓનલાઇન સેમિનારની પહેલ અમે કરી છે જેનો આ આ બીજો વર્કશોપ દાડમની ખેતી પર યોજાઇ રહ્યો છે. જેમાં દેશભરના જુદા જુદા રાજયોના સંશોધન કેન્દ્રોમાંથી વૈજ્ઞાનિકો તેમજ પ્રગતિશીલ ખેડૂતો ધ્વારા ઓનલાઈન માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.