દેશમાં ૧૦૪ દિવસ બાદ કોરોનાના ૪૦ હજારથી ઓછા કેસ નોંધાયા
નવીદિલ્હી: ભારતમાં કોરોનાના પ્રકોપમાં રાહત મળતી હોય એવા વધુ સંકેત મળી રહ્યા છે. મંગળવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ૧૦૪ દિવસ બાદ ભારતમાં ૪૦,૦૦૦થી ઓછા કેસ એક દિવસમાં નોંધાયા છે. આ ઉપરાંત બીજી રાહતની બાબત એ છે કે કોવિડ રિકવરી રેટમાં પણ સુધારો થતાં હવે તે ૯૬.૮૭ ટકાએ પહોંચી ગયો છે. હાલ માત્ર મહારાષ્ટ્ર જ એવું રાજ્ય છે જ્યાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખથી વધુ છે. કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ સતત બીજા દિવસે એક હજારથી ઓછી નોંધાઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૭,૫૬૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૦૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૩,૧૬,૮૯૭ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૨.૯૦ કરોડ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૨ કરોડ ૯૩ લાખ ૬૬ હજાર ૬૦૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૫૬,૯૯૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૫,૫૨,૬૫૯ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૯૭,૬૩૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૦,૬૩,૭૧,૨૭૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.