દેશમાં ૨૪ કલાકમાં ૩.૧૬ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona-9-1024x683.jpg)
નવી દિલ્હી: દેશમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં ૨૪ કલાકમાં જ કોરોના વાયરસના નવા ૩ લાખ ૧૫ હજાર ૪૭૮ કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ૩,૦૭,૫૭૦ સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૨,૧૦૧ લોકોનાં મોત થયા હતા. બુધવારે રેકોર્ડ ૧ લખા ૭૯ હજાર ૩૭૨ લોકો સાજા પણ થયા છે. કોરોનાને પગલે દેશમાં અત્યારસુધી ૧ લાખ ૮૪ હજાર ૬૭૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી કોરોનાથી કુલ સંક્રમિત સંખ્યા વધીને ૧ કરોડ ૫૯ લાખ ૨૪ હજાર ૭૩૨ થઈ છે. દેશમાં હાલ ૨૪ લાખ ૮૪ હજાર ૨૦૯ દર્દીની સારવાર ચાલી રહી છે.
આ સંખ્યા કુલ સંક્રમિતના ૧૪.૩ ટકા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત દેશના ૧૧ રાજ્યમાં હાલત બેકાબૂ બની રહી છે. આ રાજ્યમાં રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ ઉત્તર પ્રદેશમાં ૨૯,૫૭૪, દિલ્હીમાં ૨૮,૩૯૫, કેરળમાં ૧૯,૫૭૭, કર્ણાટકમાં ૨૧,૭૯૪, છત્તીસગઢમાં ૧૫,૬૨૫, રાજસ્થાનમાં ૧૨,૨૦૧, મધ્ય પ્રદેશમાં ૧૨,૭૨૭, ગુજરાતમાં ૧૨,૨૦૬, તામિલનાડુમાં ૧૦,૯૮૬, બિહારમાં ૧૦,૪૫૫ લોકો કોરોના સંક્રમિત થાય છે. કોરોના સંક્રમિત લોકોનો સ્વાસ્થ્ય રેટ ઘટીને ૮૪.૫ ટકા થયો છે.
આંકડાઓ પ્રમાણે આ બીમારીથી સાજા થનાર લોકોની સંખ્યા વધીને ૧,૩૪,૪૭,૦૪૦ થઈ છે. રાષ્ટ્રીય સ્તરે કોરોનાથી મૃત્યુદર ઘટીને ૧.૨૦ ટકા થયો છે, પરંતુ મહારાષ્ટ્રમાં તે ૧.૫ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૧.૬ ટકા છે. રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક ૧૨,૫૫૩ નવા કેસ નોંધાયા છે, જ્યારે કુલ ૪,૮૦૨ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. બુધવારે અમદાવાદ જિલ્લામાં વિક્રમજનક ૪,૯૦૬ કેસ નોંધાયા છે.
જે પૈકીના ૪,૮૨૧ કેસ અમદાવાદ શહેરના છે. રાજ્યમાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૧૨૫ મોત થયા છે. હાલમાં રાજ્યમાં કુલ ૮૪,૧૨૬ એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ ૩૬૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ૮૩,૭૬૫ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ ૩,૫૦,૮૬૫ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે, જ્યારે કુલ ૫,૭૪૦ દર્દીનાં મૃત્યુ થયા છે.